નવી દિલ્હી, તા. ૨૩
નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી હિંદુ કટ્ટરવાદીઓની સંડોવણીની શંકા ધરાવતા સાત કેસોની તપાસ કરી રહી છે. આ તમામ કેસોમાં મુસ્લિમોને નિશાન બનાવાયા હતા જેને પૂર્વની યુપીએ સરકાર દ્વારા તપાસ સોંપવામાં આવી હતી. આ કેસોમાં એનઆઇએએ ઘણી ધરપકડો કરી હતી જેમાં સ્વામી અસીમાનંદ અને કર્નલ પુરોહિતનો પણ સમાવેશ થાય છે. નવ વર્ષ સુધી જેલમાં રહ્યા બાદ ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં આરોપી કર્નલ પુરોહિતને જામીન આપી દેવામાં આવ્યા હતા. બુધવારે પુરોહિતને જેલમાંથી મુક્ત કરાયો હતો. અવો આરોપ લાગી રહ્યો છે કે, છેલ્લા ત્રણ વર્ષમાં તમામ કેસોમાં તપાસની દિશા બદલાઇ છે અને અચાનક સાક્ષીઓ ફરી રહ્યા છે જ્યાં આરોપીઓ ભારતીય જનતા પાર્ટી અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની નજીકના માનવામાં આવે છે.
તમામ કેસોની સ્થિતિ ચકાસણી :
૧. માલેગાંવ બ્લાસ્ટ કેસ (૨૦૦૬)
કેસ : આઠમી સપ્ટેમ્બર ૨૦૦૬ના રોજ મસ્જિદ બહાર ચાર વિસ્ફોટ કરવામાં આવ્યા હતા જેમાં ૩૮ લોકોના મોત થયા હતા.
તપાસ : મહારાષ્ટ્ર એટીએસ અને સીબીઆઇએ નવ મુસ્લિમો સામે આરોપનામું ઘડ્યું હતું. ૨૦૦૧માં એનઆઇએને તપાસ સોંપાઇ જેમાં ચાર હિંદુ કટ્ટરવાદીઓના નામ આરોપનામામાં ઉમેરાયા. એટીએસ દ્વારા ધરપકડ કરાયેલા તમામ મુસ્લિમ આરોપીઓ પરના આરોપો સ્પેશિયલ કોર્ટે હટા વીદીધા હતા.
સ્ટેટસ : સુનાવણી હજુ બાકી
૨. સમજૌતા એક્સપ્રેસ બ્લાસ્ટ (૨૦૦૭)
કેસ : હરિયાણાના પીલીભીત જિલ્લામાં દેવાના રેલવે સ્ટેશન નજીક ૧૮મી ફેબ્રુઆરીના રોજ થયેલા બ્લાસ્ટમાં ૬૮ લોકોના મોત થયા હતા જેમાં મોટાભાગના પાકિસ્તાની નાગરિકો હતા. આ ટ્રેન દિલ્હીથી પાકિસ્તાનના લાહોરમાં જઇ રહી હતી.
તપાસ : એનઆઇએએ આઠ લોકો સામે આરોપનામું ઘડ્યું જેમાંથી એકનું મોત થયું હતું અને બેની શોધખોળ ચાલુ છે.
સ્ટેટસ : સુનાવણી ચાલુ છે.
૩. હૈદરાબાદમાં મક્કા મસ્જિદ બ્લાસ્ટ (૨૦૦૭)
કેસ : ૧૮મી મેએ હૈદરાબાદની મક્કા મસ્જિદમાં શક્તિશાળી આઇઇડી બ્લાસ્ટ કરાયો હતો જેમાં ૧૪ નમાઝીઓના મોત થયા હતા.
તપાસ : હૈદરાબાદ પોલીસે ઘણા મુસ્લિમોને પકડ્યા પરંતુ કોઇ સફળતા મળી નહોતી. આ કેસ બાદમાં સીબીઆઇને સોંપાયો હતો જેણે સમજૌતા બ્લાસ્ટ કેસમાં આરોપી સ્વામી અસીમાનંદની ધરપકડ કરી હતી. પ્રથમ આરોપનામું સીબીઆઇએ દાખલ કર્યું બાદમાં તપાસ એનઆઇએને સોંપાઇ.
સ્ટેટસ : તપાસ ચાલુ
૪. અજમેર દરગાહ બ્લાસ્ટ(૨૦૦૭)
કેસ : અજમેરમાં આવેલી પ્રસિદ્ધ ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તીની દરગાહમાં ૧૧મી ઓક્ટોબરે રમઝાન માસ દરમિયાન બ્લાસ્ટ કરાયો જેમાં ત્રણ લોકોના મોત થયા જ્યારે ૧૨ ઘવાયા હતા. બાદમાં દરગાહ પરિસરમાંથી ત્રણ અન્ય બોમ્બ મળી આવ્યા હતા.
તપાસ : ૧૩ આરોપીઓમાંથી એક નાસતો ફરતો છે જ્યારે સુનિલ જોશીનું મોત થયું છે.
સ્ટેટસ : જયપુર કોર્ટે આઠમી માર્ચે સુનિલ જોશી, દેવેન્દ્ર ગુપ્તા અને ભાવેશ પટેલને દોષિત ઠેરવ્યા હતા પરંતુ બાદમાં આરએસએસના સભ્ય અસીમાનંદ અને અન્ય છને છોડી મુકાયા. ૨૨ માર્ચે કોર્ટે ગુપ્તા અને પટેલને આજીવન કેદની સજા સંભળાવી. ન્યાયાધીશે પટેલ પર ૧૦ હજાર અને ગુપ્તા પર પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
૫. સુનિલ જોશી હત્યા (૨૦૦૭)
કેસ : હિંદુ કટ્ટરવાદી જૂથના નેતા તરીકે જાણીતા સુનિલ જોશીની કટ્ટરવાદી હિંદુ આતંકવાદના કેસોમાં સંડોવણી માનવામાં આવતી હતી જેને ૨૯ ડિસેમ્બર ૨૦૦૭ના રોજ ગોળી મારી હત્યા કરી દેવાઇ હતી. સુનિલ જોશી મધ્યપ્રદેશના દેવાસના ચુના ખદાનના છુપાવાના વિસ્તાર તરફ જઇ રહ્યો હતો ત્યારે તેને ગોળી મરાઇ હતી. આ જૂથમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ, લોકેશ શર્મા, સંદીપ ડાંગે, રામજી કાલસાંગરા, રાજેન્દ્ર પહેલવાન, ધાનસિંહ, અમિત ચૌહાણ અને અસીમાનંદના નામો હતા.
તપાસ : તપાસ પૂરી કર્યા બાદ એનઆઇએને મધ્યપ્રદેશ પોલીસને એમ કહીને કેસ સોંપી દીધો હતો કે, તેમને નથી લાગતું કે, આ હત્યામાં મોટા હિંદુ આતંકવાદનું ષડયંત્ર હોય. એજન્સીએ એવો આરોપ મુક્યો હતો કે, જોશીની હત્યા તેના કોઇ અંગત માણસે જ કરી છે કારણ કે, પ્રજ્ઞાસિંહ ઠાકુર સાથેના તેના વ્યવહારથી તેઓ નારાજ હતા.
સ્ટેટસ : પહેલી ૨૦૧૭ના રોજ સુનાવણી સમાપ્ત થઇ. પ્રજ્ઞાસિંહ સહિતના તમામ આઠ આરોપીને મુક્ત કરી દેવાયા.
૬-૭. માલેગાંવ અને મોડાસા બ્લાસ્ટ (૨૦૦૮)
મહારાષ્ટ્રના માલેગાંવ અને ગુજરાતના મોડાસામાં ૨૯મી સપ્ટેમ્બરે બેવડાં બ્લાસ્ટ કરાયા. બંને સ્થળોએ શક્તિશાળી આઇઇડી વિસ્ફોટકો મોટરસાઇકલમાં ફીટ કરાયા હતા જેમાં કુલ આઠ લોકોના મોત થયા હતા.
તપાસ : માલેગાંવ કેસમાં મહારાષ્ટ્ર એટીએસે મહત્વના પુરાવાનો દાવો કર્યો. કેસમાં સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર સહિત સેનાના અધિકારી કર્નલ પુરોહિત સામે આરોપનામું ઘડાયું.
સ્ટેટસ : એનઆઇએએ પ્રજ્ઞાસિંહ ઠાકુર વિરૂદ્ધ આરોપો પડતા મુક્યા અને ખાસ કોર્ટ હજુ તેના પર સંજ્ઞાન લેશે. મોડાસા બ્લાસ્ટ કેસમાં પુરાવાનો અભાવ દેખાડી એનઆઇએએ કેસ બંધ કર્યો હતો. ૨૦૦૮માં માલેગાંવ બ્લાસ્ટ કેસનો મુખ્ય આરોપી કર્નલ પુરોહિત નવ વર્ષ જેલમાં રહ્યા બાદ આખરે બુધવારે જેલમાંથી બહાર આવી ગયો હતો.