(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૬
શહેરના રેલ્વે સ્ટેશન પાસે કોર્પોરેશન દ્વારા ભવ્ય જલ મહેલનાં બાંધકામ માટે યુનિવર્સિટીની કરોડો રૂપિયાની જમીન કોર્પોરેશનને આપવાના વિરોધમાં આજે યુનિવર્સિટીના સેનેટ સભ્યોનું એક જુથ મહારાજ સમરજીતસિંહ ગાયકવાડને મળ્યું હતું તથા ખાનગી બિલ્ડરોને લાભ નહીં આપી યુનિવર્સિટીની જગ્યા કોર્પોરેશનને ન આપવા રજુઆત કરી હતી.
એમ.એસ.યુનિવર્સિટીના સેનેટ સભ્ય નરેન્દ્ર રાવતની આગેવાનીમાં અન્ય સેનેટ સભ્યો જસપાલસિંહ ઠાકોર, કપીલ જોશી તેમજ અન્ય સભ્યો આજે મહારાજા સમરજીતસિંહ ગાયકવાડને મળ્યા હતા. નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે ૨૦૦ કરોડની કિંમતી જમીન યુનિવર્સિટી પાસેથી લઇ લીધી હતી. તે રકમ યુનિવર્સિટીની પરત મળે તેવી માંગણી કરી છે. સાથેજ જલ મહેલ બનાવવાનો પ્રોજેકટ ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવાનો છે. યુનિવર્સિટીની ૯ હજાર ચોરસ ફુટ જગ્યા મેળવી કોર્પોરેશન દ્વારા ખાનગી બિલ્ડરને ૨.૬ એફ.એસ.આઇ. પ્રમાણે બાંધકામ કરે તો તેને ૩૬ હજારનું બાંધકામ મળે. જેને પગલે કરોડો રૂપિયાની કમાણી થઇ શકે છે. કોર્પોરેશન દ્વારા ખાનગી બિલ્ડરોને ફાયદો કરાવવા યુનિવર્સિટીની જમીન લઇ કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.
હાલ યુનિવર્સિટીને પોતાના વિકાસ માટે જમીનની જરૂર છે ત્યારે અન્ય કોઇને જમીન આપી શકાય નહીં. અત્યાર સુધી યુનિવર્સિટી ૫ લાખ ચોરસ ફુટ જમીન આપી ચુકી છે. જ્યારે ઘણી વખત જમીન કપાતમાં પણ ગઇ છે. રાજ્ય સરકારે તથા કોર્પોરેશનને યુનિવર્સિટીની જમીન કપાત કરવાને બદલે તેની જમીન કાપી નવા પ્રોજેકટ હાથ ધરવા જોઇએ તેમ પણ નરેન્દ્ર રાવતે જણાવ્યું હતું. સેનેટ સભ્યોએ મહારાજા સમરજીતસિંહ ગાયકવાડને મળી આવેદન પત્ર આપી યુનિવર્સિટીની કિંમતી જમીન કોઇપણ પ્રોજેકટ આપવા માટે નહીં આપવા રજૂઆત કરી હતી.