(સંવાદદાતા દ્વારા) અમરેલી, તા. ૪
અમરેલીની એસબીઆઈ બેંકમાં ગઈ રાત્રિના કોઈ તસ્કરો એ બેંકની પાછળની અવાવરૂં જગ્યાએથી બારીના સહારે બેંકમાં પ્રવેશ કરી બેંકમાંથી રોકડ રૂપિયા ૧.કરોડ ૩૫ લાખ અને ૩૦ હજારની ચોરી કરી જતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચેલ છે.
ત્રણ દિવસોમાં અમરેલી શહેરમાં ચોરીની બે ઘટના બનેલ છે જેમાં ૧ તારીખે સુખનિવાસ કોલોનીમાં રહેતા જજના ઘરે ચોરી થયા બાદ ગઈકાલે રાત્રીના જન્માષ્ટમીના તહેવારનો લાભ ઉઠાવી કોઈ તસ્કરોએ શહેરની મધ્યમાં નાગનાથ મંદિર પાસે આવેલ એસબીઆઈ બેંકમાંથી ૧ કરોડ ૩૫ લાખ અને ૩૦ હજારની ચોરી કોઈ તસ્કરો કરી ગયા હતા. બેંકની પાછળના ભાગે આવેલ જૂની મામલતદાર અને પ્રાંત કચેરીઓ આવેલ હતી ત્યાંની આવાવરૂં જગ્યામાં એક બારીના સહારે બેંકમાં પ્રવેશ કરી તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો હતો. બેંકના સીસીટીવી કેમેરામાં એક શખ્સ મોઢે રૂમાલ અને માથે ટોપી અને હાથમાં ગ્લોવઝ પહેરી બેંકમાંથી ચોરી કરતો હોવાનું સામે આવ્યું છે, પોલીસ દ્વારા સીસીટીવીના ફૂટેજના આધારે તેમજ જુદી-જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે. બેંકમાંથી તસ્કરે આવડી મોટી રકમ ચોરી કરી જતા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બેંકની પાછળના ભાગની તેમજ બેંકની અંદરનું નિરીક્ષણ કર્યું હતું. ઘટના સ્થળે એફએસએલ તેમજ ડોગ સ્કોર્ડ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવેલ છે. શહેરની મધ્યમાં આવેલ બેંકમાંથી થયેલ ચોરી અંગે બેંકની સિક્યુરિટી તેમજ પોલીસની પેટ્રોલિંગ સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે.