અમદાવાદ, તા.૧૩
ઓછા સમયમાં નાણાં ડબલ કરી આપવાની લોભામણી સ્કીમના બહાને વિનય શાહ અને પત્ની ભાર્ગવી શાહે રૂા.ર૬૦ કરોડ ફૂલેકું ફેરવ્યું તેની ફરિયાદ વસ્ત્રાલ પોલીસ સ્ટેશને નોંધાઈ છે. જેમાં આરોપી વિનય શાહ હાલ દેશ છોડીને નાસી ગયો છે ત્યારે વિનય શાહે કૌભાંડ મામલે ૧૧ પાનાનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં ઉચ્ચ અધિકારી, નેતા તથા પત્રકારોએ નાણાં પડાવ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચના ખાસ પોલીસ કમિશનર જે.કે. ભટ્ટનું નામ બહાર આવ્યું છે ત્યારે આ મામલે વિનય શાહે તેમના પર લગાવેલા આક્ષેપોને જે.કે.ભટ્ટે પાયાવિહોણા ગણાવી તદ્દન ખોટા કહ્યા છે. આ અંગે જે.કે. ભટ્ટે જણાવ્યું હતું કે, તેમણે કોઈ નાણાં લીધા નથી. વિનય શાહના આક્ષેપોમાંથી મારી બદનક્ષી થઈ હોવાથી આક્ષેપ કરનારને યોગ્ય સજા મળે તે માટે મેં વિનય શાહ સામે એડિ.ચીફ મેટ્રો મેજિસ્ટ્રેટ કોર્ટ નં.૬ ઘીકાંટા અમદાવાદમાં બદનક્ષીની ફરિયાદ દાખલ કરી છે. તેમજ આરોપી વિનય શાહ વિરૂદ્ધ રૂા.ર૦ કરોડનો માનહાનિનો દાવો પણ ટૂંક સમયમાં કોર્ટમાં દાખલ કરીશું એમ જે.કે.ભટ્ટે જણાવ્યું છે.

વિવાદો ક્રાઈમ બ્રાંચના જે.કે.ભટ્ટનો
પીછો જ છોડવા માંગતા નથી ?

રૂા.ર૬૦ કરોડનું કૌભાંડ કરીને વિદેશ ભાગી ગયેલા ગુજરાતના વિજય માલ્યા એવા વિજય શાહે તેના કૌભાંડ મામલે ૧૧ પાનાનો પત્ર લખ્યો છે. જેમાં પોલીસ, નેતા અને પત્રકારોએ તેની પાસેથી નાણાં પડાવ્યા હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે. જેમાં ખાસ કરીને અમદાવાદ ંક્રાઈમ બ્રાંચના ખાસ પોલીસ કમિશનર જે.કે. ભટ્ટના નામનો ઉલ્લેખ હોવાથી ફરી એકવાર પોલીસ અધિકારી જે.કે. ભટ્ટનું નામ વિવાદમાં સપડાયું છે. જો કે, અગાઉ વીએચપીના પ્રવિણ તોગડિયાના ગુમ થવાના મામલે પણ જે.કે. ભટ્ટ સામે આંગળીઓ ઊઠી હતી. ત્યારબાદ અમદાવાદની એક યુવતી પર ગેંગરેપની ફરિયાદની તપાસ પણ ફરિયાદી યુવતીએ જે.કે. ભટ્ટની તપાસની કાર્યવાહી સામે સવાલો ઉઠાવ્યા હતા. જેમાં અંતે જે.કે. ભટ્ટે તપાસમાંથી હટી જવાનું મુનાસીબ માન્યું હતું અને તેઓ ગેંગરેપની તપાસમાંથી હટી ગયા હતા. ત્યારબાદ હવે રૂા.ર૬૦ કરોડના કૌભાંડમાં પણ ક્રાઈમ બ્રાંચના ખાસ પોલીસ કમિશનર સામે નાણાં લીધાનો આક્ષેપ થયો છે. એટલે જે.કે. ભટ્ટ સામે જ કેમ આક્ષેપ થાય છે ? જો તેઓ સાચા હોય તો કેમ બીજા અધિકારીનું નામ આવતુું નથી ? તેવા અનેક સવાલો પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યા છે. જે.કે. ભટ્ટે હાલ તો વિનય શાહ સામે બદનક્ષીની ફરિયાદ કરી રૂા.ર૦ કરોડની માનહાનિનો દાવો કરવાનું નક્કી કર્યું છે. પરંતુ સત્ય શું છે તે તો તપાસ કોણ કરે છે ? કેવી કરે છે ? તના પર આધાર છે. પરંતુ સરકાર પણ આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદાર વિનય શાહ સહિતના તમામ સામે પગલા ભરે તેવી લોક ચર્ચાઓ વહેતી થઈ છે.

ઠગનો લેટરબોમ્બઃ કરોડોના કૌભાંડમાં
પોલીસ, નેતા અને પત્રકારે પૈસા પડાવ્યા !

અમદાવાદ,તા.૧૩
સમગ્ર ગુજરાતમાં આજે ’ઠગ્સ ઓફ ગુજરાત’ ચર્ચાસ્પદ બન્યા છે. વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે અમદાવાદના થલતેજમાં ઓફિસ ખોલીને લોકોને ૨૬૦ કરોડમાં નવડાવી દીધા છે. આ ઠગ દંપતિએ થલતેજના પ્રેસિડેન્ટ હાઉસમાં વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન નામથી ઓફિસ ખોલી હતી. તેમણે એકના ડબલ કરવાની લાલચ આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આરોપી હાલ વિદેશમાં છે અને તેની પત્ની દીલ્હીમાં છે. જોકે દિલ્હીથી વિદેશ ભાગી ન જાય તે માટે એલર્ટ આપવામાં આવ્યું છે. આરોપી ઠગ વિનય શાહ દ્વારા આ કૌંભાડ બાબતે ૧૧ પાનાની ચિઠ્ઠી લખાવવામાં આવી છે. જેમાં ઉચ્ચ પોલીસ અધિકારી, નેતા અને પત્રકારોને પૈસા ખવડાવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્ર હાલ વાઇરલ થઇ ગયો છે. આ પત્રમાં કરોડોના તોડ કર્યાના આક્ષેપ સાથેની આરોપીની ચિઠ્ઠી સામે આવી છે. ઠગનો દાવો છે કે તેની પાસે કરોડો ચૂકવ્યાના ઓડિયો- વીડિયો રેકોર્ડિંગ છે. તેમજ ઉચ્ચ અધિકારીને પ્રોટેક્શન મની પેટે રૂ.૫૦ લાખ ચૂકવ્યા હોવાના પુરાવા પણ છે. માત્ર એટલું જ નહીં, મીડિયામાં સમાચાર નહીં આપવા પત્રકારોને રૂ.૨૧ લાખ ચૂકવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. આ અંગે વિગતે વાત કરીએ તો વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન-આર્ચર કેર ડીજી કંપનીએ એક વર્ષમાં રૂપિયા ડબલ કરી આપવાની લોભામણી લાલચ આપી હતી. ઓનલાઈન જાહેરાત જોવાનું કહીને અમદાવાદ સહિત રાજ્યભરમાંથી અંદાજે એક લાખ લોકો પાસેથી ડિપોઝીટ મેળવી હતી અને લોકોના ખાતામાં પૈસા જમા ન થતા લોકો ઓફિસે દોડી ગયા હતા. જોકે ત્યાંથી તો વિનય શાહ ફરાર થઇ ગયો હતો. જ્યારે પાલડી ખાતેના નિવાસ સ્થાને પણ તાળું જોવા મળ્યુ હતું. ત્યાર બાદ છેતરપિંડીનો ભોગ બનેલા લોકો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવવામાં પહોંચ્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.