(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
નેશનલ હાઇવે નં.૮ પાનોલી જીઆઇડીસીમાં આવેલ મોર્ડન પોલીટેક્ષ યાર્નની ફેક્ટરીમાં ગતરોજ મોડી રાત્રે ભીષણ આગ લાગતા કરોડો રૂપિયાનું રો-મટીરીયલ અને મશીનરીને નુકશાન થવા પામ્યું છે. મળતી માહિતી મુજબ ગત મોડી રાત્રે પાનોલી જીઆઈડીસી ખાતે આવેલ યાર્ન ફેક્ટરીમાં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર ઓફિસર સવા ત્રણ વાગ્યાના સુમારે પાનોલી જવા રવાના થયા હતા. કીમ-માંગરોળ વચ્ચે નેહનલ હાઈવે ટચ પાનોલી જીઆઈડીસીમાં આવેલ મોર્ડન પોલીટેક્ષમાં ભીષણ આગ લાગી હતી. મોડી રાત્રે અચાનક શોર્ટ સર્કિટથી આગ લાગી ત્યારે ફેક્ટરીમાં કારીગરો કામ કરી રહ્યા હતા. તમામ કારીગરોને સુરક્ષીત રીતે બચાવી લેવામાં આવ્યા હતા. આગના લીધે તૈયાર યાર્નનો જથ્થો, રો મટીરિયલ, વેસ્ટ મટીરીયલ મશીનરી અને આખુ ગોડાઉન આગમાં સંપૂર્ણ સ્વાહા થઇ ગયું હતું. બનાવની જાણ થતા જ પાનોલી તેમજ આજુબાજુની જીઆઈડીસી તેમજ સુરત ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.