અમદાવાદ,તા.૬
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ખોરજના કન્ટેનર ડેપોમાંથી રૂ.૨.૫૦ કરોડની કિંમતનો દારૂ પકડાવાના ચકચારભર્યા કેસમાં વોન્ટેડ આરોપી જિજ્ઞેશ પટેલ ગોતામાં ક્રિશ્ના હાઇટ્‌સ નામના ફલેટમાંથી પોલીસના દરોડા દરમ્યાન તેના બે મિત્રો સાથે ઝડપાઇ ગયો હતો. પોલીસે ફલેટમાંથી આરોપીઓ પાસેથી વિદેશી દારૂની ૪૧ બોટલો પણ જપ્ત કરી હતી. ચાંદખેડા પોલીસે ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, ગોતાના જગતપુર ગામ પાસે આવેલા ક્રિશ્ના હાઇટ્‌સ ફલેટમાં આજે ચાંદખેડા પોલીસે ચોક્કસ બાતમીના આધારે અચાનક દરોડો પાડયો હતો, જેમાં દરોડા દરમ્યાન પોલીસને રૂ.૩૫ હજારની કિંમતના વિદેશી દારૂની ૪૧ બોટલોનો જથ્થો જપ્ત કરાયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી આરોપી જિજ્ઞેશ પટેલ, રૂપેશ ચૌધરી અને અનિલ પટેલને ઝડપી લીધા હતા. પોલીસની તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ એ જ જિજ્ઞેશ પટેલ છે કે, જે ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ખોરજના કન્ટેનર ડેપોમાંથી રૂ.૨.૫૦ કરોડની કિંમતનો દારૂ પકડાવાના ચકચારભર્યા કેસમાં વોન્ટેડ હતો. રૂ.૨.૫૦ કરોડના દારૂના જથ્થાના કૌભાંડમાં આરોપી જિજ્ઞેશ પટેલ મુખ્ય સૂત્રધાર હોવાની વાત સામે આવી હતી. અડાલજ પોલીસે આટલો મોટો દારૂનો જથ્થો જપ્ત કરવામાં સફળતા મેળવી હતી પરંતુ જિજ્ઞેશ પટેલને પકડી શકી ન હતી. બીજીબાજુ, ચાંદખેડા પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગોતામાં ક્રિશ્ના હાઇટ્‌સ ફલેટમાં દરોડા પાડયા હતા અને વોન્ટેડ આરોપી જિજ્ઞેશ પટેલને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. પોલીસે ઘટનાસ્થળેથી તેના બે મિત્રો રૂપેશ ચૌધરી અને અનિલ પટેલને પણ ઝડપી લીધા હતા. પોલીસે ફલેટમાંથી વ્હીસ્કી, વોડકા, એન્ટિકયુટી બ્લ્યુ વ્હિસ્કી અને દારૂની ૪૧ બોટલો પણ જપ્ત કરી હતી. પોલીસે આરોપીઓ દારૂનો જથ્થો કયાંથી લાવ્યા હતા અને આ સમગ્ર કૌભાંડમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતની બાબતોની તપાસનો દોર શરૂ કર્યો છે. ચાંદખેડા પોલીસે આરોપી જિજ્ઞેશ પટેલ સહિતના ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ જરૂરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.