(એજન્સી)
નવી દિલ્હી, તા. ૧૭
જાણીતા કાર્ટૂનિસ્ટ સતીષ આચાર્યે ઈન્ડિયા ટુડે ગ્રુપ સાથે સખત નારાજગી દર્શાવી છે એમણે ગ્રુપ ઉપર આક્ષેપો કર્યા કે ગ્રુપે મેઈલ ટુડે અખબારમાં શનિવારે મારા કાર્ટૂનને પ્રકાશિત કર્યું ન હતું કારણ કે એમાં કેન્દ્ર સરકારની આલોચના દર્શાવાઈ હતી.
અખબારની આ કોલમમાં મારૂં કાર્ટૂન નિયમિત છપાય છે પણ શનિવારે તંત્રીએ કાર્ટૂન છાપવાનો ઈન્કાર કર્યો એનાથી દેખાઈ આવે છે કે એમનું કાર્ટૂન અને કાર્ટૂનિસ્ટ પ્રત્યે શું વલણ છે. તંત્રી અમારા અવાજને દબાવવા પ્રયાસો કરી રહ્યા છે.
કાર્ટુનમાં બતાવાયું હતું કે ચીન ભારતને કઈ રીતે સ્કેપમાં લઈ રહ્યો છે. ખાસ કરીને ભારતના પાડોશી માલદીવ જેવા દેશોમાં પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે.
આચાર્યે કહ્યું કે હું કાર્ટૂન દ્વારા ચીનના વધતા પ્રભુત્વ સામે દેશને ચેતવણી આપવા પ્રયાસ કરતો હતો. મારા વિચારોનુંં સન્માન થવું જોઈતું હતું. પણ એના બદલે તંત્રીએ કાર્ટૂન પડતુ મૂકવા જણાવ્યું. હું પોતાની સ્વતંત્રતા પોતાના કાર્ટૂનની કોલમની પવિત્રતા જાળવવા પ્રયાસ કરતો હતો. તંત્રી માટે આ ફક્ત ત્રણ કોલમની જગ્યા હશે પણ કાર્ટૂનિસ્ટ માટે એ સમગ્ર દુનિયા છે જે પ્લેટફોર્મથી એ પોતાના વિચારો દર્શાવી શકે છે. પોતાના વિરોધો, આલોચનાઓ વિગેરેને વાચા આપી શકે છે.
એમણે કહ્યું કે આ પહેલી વખત નથી કે ગ્રુપે મારા કાર્ટૂનો પડતા મુક્યા હોય એ પહેલા પણ મારા કાર્ટૂનો પડતા મુકાયા છે.