(એજન્સી) ચેન્નાઈ,તા.૬
દક્ષિણપંથી સંગઠનો પર પોતાનો વિરોધ દર્શાવતા પ્રખ્યાત અભિનેતા કમલ હાસન આ દિવસોમાં સૌથી વધુ ચર્ચામાં છે. એમના નિવેદનો સાંભળીને અખિલ ભારતીય હિન્દુ મહાસભાના ઉપાધ્યક્ષએ કમલ હાસનને ગોળી મારી દેવાની વાત કરી છે. કમલ હાસનને ગોળી મારી દેવાની ધમકી મળી હોવા છતાં એમણે આ દક્ષિણપંથી સંગઠનો વિરૂદ્ધ પોતાનો વિરોધ ચાલુ રાખ્યો છે અને તાજેતરમાં તિરૂનવેલ્લીના કાર્ટૂનિસ્ટ જી.બાલાની વિવાદિત કૈરિકેચર બનાવવા પર ધરપકડ કરવામાં આવી જેમાં તમણે રાજ્યના મુખ્યમંત્રી એક જિલ્લા અધિકારી અને પોલીસ કમિશનર પર કટાક્ષ કર્યા હતા. તેમના સમર્થનમાં કમલ હાસને કહ્યું કે જો બધાં જ સત્ય બોલનાર લોકોને જેલમાં પૂરી દેશો તો જેલો ઓછી પડી જશે. કમલ હાસને ખેડૂતોના એક સંગઠનને સંબોધતા કહ્યું કે જો આપણે એમને પ્રશ્નો પૂછીએ તો આપણને રાષ્ટ્રવિરોધી ઠેરવાય છે. તેઓ આપણને જેલમાં મોકલવા માંગે છે કેમ કે જેલોમાં તો હવે કોઈ જગ્યાઓ ખાલી નથી, એટલે તેઓ આપણને ગોળી મારીને ખલાસ કરી દેવા માંગે છે. જ્યારે આ અગાઉના નિવેદનમાં કમલ હાસને કહ્યું, “કોઈ નથી કહી શકતું કે હિંદુ આતંકવાદનું અસ્તિત્વ નથી.” એમણે આક્ષેપ મૂક્યો હતો કે દક્ષિણપંથી વિચારધારામાં માનનારા હિંસામાં સામેલ છે અને હિન્દુ કેમ્પોમાં આતંકવાદ ઘૂસી ચૂક્યું છે. એમણે કહ્યું કે, પહેલાં હિન્દુ કટ્ટરપંથી વાતચીતને મહત્ત્વ આપતા હતા અને આંતરિક મુદ્દાઓને ઉકેલતા હતા પરંતુ હવે એવું રહ્યું નથી. જ્યારે આજે સાંજે જી.બાલાની ધરપકડના વિરોધમાં ચાર વાગે સમગ્ર ચેન્નાઈના પત્રકારો વિરોધ પ્રદર્શન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પોતાના લેખમાં ‘હિંદુ આતંકવાદ’ની ચર્ચા કરવા પર કમલ હાસન વિરૂદ્ધ આઈપીસીની કલમ ૫૦૦, ૫૧૧, ૨૯૮, ૨૯૫(એ) અને ૫૦૫ (સી) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.