(એજન્સી) મુંબઈ,તા.૧૫
મૂળ ભારતીય એવા એક અમેરિકી પ્રોગ્રામ આયોજકે સુપર સ્ટાર સલમાન ખાન, કેટરિના કૈફ, સોનાક્ષી સિંહા, પ્રભુ દેવા વગેરે સામે કરાર ભંગનો કાનૂની કેસ કર્યો હોવાની માહિતી મળી હતી. આયોજકે એવો આક્ષેપ કર્યો હતો કે આ બધા કલાકારોએ અમારી પાસેથી એક કોન્સર્ટ કરવાના નાણાં લીધા હતા પરંતુ શો કરવા આવ્યા નહોતા એટલે અમને ભારે આર્થિક નુકસાન થયું હતું. આ કલાકારો ઉપરાંત અક્ષય કુમાર, ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિાક અને ઉષા મંગેશકરને પણ આ કેસમાં સાંકળી લેવામાં આવ્યાં હતાં.આ કેસ ચિકાગો સ્થિત વાઇબ્રન્ટ મિડિયા ગ્રૂપ દ્વારા અમેરિકાની નોર્ધર્ન ડિસ્ટ્રીક્ટ કોર્ટ ઑફ ઇલિનોસ, ઇસ્ટર્ન ડિવિઝનમાં દાખલ કરવામાં આવ્યો હતો.આયોજકે યશ રાજ અને મેટ્રિક્સ નામની કંપનીઓને પણ આ કેસમાં ઘસડી હતી અને ફરિયાદમાં વધુમાં જણાવાયું હતું કે ૨૦૧૩માં ભારતીય સિનેમાની શતાબ્દી નિમિત્તે અમે એક કોન્સર્ટ યોજી હતી જેમાં આ બધા કલાકારો આવીને મનોરંજન પ્રોગ્રામ આપવાના હતા. દરેક સાથે નક્કી થયેલું મહેનતાણું પણ એમને એડવાન્સ પેટે ચૂકવી આપવામાં આવ્યું હતું. પરંતુ એ લોકો કોન્સર્ટ આપવા આવ્યાં નહોતાં.