(એજન્સી) જયપુર, તા.૩
રાજસ્થાન પોલીસે બુધવારે દાવો કર્યો કે પહેલુખાન ટોળા દ્વારા હત્યા મામલે સાક્ષીઓ પર ફાયરિંગ મામલે કોઈ પુરાવા મળ્યા નથી. સાથે તેમણે ફરિયાદને ખોટી ગણાવી હતી. ગત શનિવારે પહેલુખાન ટોળા દ્વારા હત્યા મામલે કેટલાક સાક્ષીઓએ આરોપ લગાવ્યો હતો કે જ્યારે તેઓ અલવરના બહરોડ ક્ષેત્રમાં એક કોર્ટમાં હાજરી આપવા જઈ રહ્યા હતા ત્યારે કેટલાક અજાણ્યા શખ્સોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. બહરોડ સર્કલના અધિકારી કુશાલસિંહે બુધવારે જણાવ્યું કે, ફાયરિંગની કોઈ ઘટના ઘટી નથી અને ફરિયાદ ખોટી છે. સીસીટીવી ફૂટેજમાં એવું કોઈ વાહન દેખાઈ રહ્યું નથી જેનો ઉલ્લેખ ફરિયાદમાં કરવામાં આવ્યો હોય અને ફાયરિંગનો કોઈ પરસ્થિતિ મુજબ સાધન મળ્યું નથી. તેમણે જણાવ્યું કે કથિત ઘટનાની ફરિયાદ સોશિયલ મીડિયા પોસ્ટ પર કરવામાં આવી હતી. પણ તેઓએ પોલીસ સ્ટેશનમાં એવી કોઈ સૂચના આપી નહોતી. ફરિયાદકર્તા પાસેના પોલીસ સ્ટેશનને છોડી પોલીસ અધિક્ષક કાર્યાલય પહોંચી ગયા, જેના કારણે શંકા ઊભી થઈ. મૃતક પહેલુખાનના પુત્ર ઈરશાદખાને મામલાની ફરિયાદ નિમરાણા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાવી હતી. સિંહે જણાવ્યું કે, પોલીસ આ સંબંધમાં એક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરશે અને ફરિયાદકર્તા વિરૂદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરાવવા બદલ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. ઘટનાસ્થળ નજીક મોતી મહેલ હોસ્ટેલના સીસીટીવી ફુટેજમાં તેમની બોલેરો સવારે નવ વાગી ચાર મિનિટ પર હોટલની સામેથી નીકળી રહી છે. જ્યારે કાળા રંગની સ્કોર્પિયો કાર અડધા કલાક બાદ પણ ન નીકળી. પોલીસે જણાવ્યું કે, ઘટનાના આશરે ૪પ મિનિટ સુધી કોઈ કાળા રંગની ગાડી હાઈવે પરથી પસાર નહોતી થઈ. નીમરાણાના જે સ્થાને દુધેડાની પાસે ફાયરિંગ થઈ હતી ત્યાં આજુબાજુની હોટલો અને ઢાબાઓ પર હાજર લોકોએ કોઈ ઘટના અંગે જણાવ્યું ન હતું. ઘટના બાદ પહેલુખાનના પુત્ર, વકીલ અને સાક્ષીઓએ પોલીસને ત્રણ કલાક સુધી કોઈ સૂચના આપી નહોતી, અને તેઓ મીડિયામાં પ્રચાર કરતા રહ્યા. નોંધનીય છે કે ગત વર્ષ એક એપ્રિલના રોજ કેટલાક કથિત ગૌરક્ષકોએ પહેલુખાન અને તેના બે પુત્રો સાથે મારપીટ કરી હતી. પહેલુખાનનું પછીથી હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.