અમદાવાદ,તા.પ
ભારતમાં અંદાજે ૧૦ હજાર લોકો દરરોજ દાઝે છે અને તેમાંથી પ૦૦ જેટલા લોકોનું દાઝી જવાથી મોત થાય છે. ત્યારે ગુજરાતમાં પણ દર વર્ષે અંદાજે ર હજાર જેટલા દાઝવાના કેસ બને છે. એટલે લોકો દાઝે નહીં તેમજ દાઝે તો સૌ પ્રથમ શું કરવું તેની જાગૃતતા નથી. એટલે જાગૃતતા ફેલાવવી ખૂબ જરૂરી છે. ત્યારે દાઝી ગયેલા દર્દીઓને પુનઃસ્થાપના માટે અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં લાવવા માટે એનજીઓ બીઈંગ પેશન્ટ ફાઉન્ડેશન દ્વારા મદદ કરવામાં આવે છે. ફાઉન્ડેશન દ્વારા બર્ન્સ ફ્રી ઈન્ડિયા બનાવવા માટે ઝુંબેશ શરૂ કરવામાં આવી છે જેમાં જાગૃતિ ફેલાવવા માટે સે નો ટુ બર્ન અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવશે.
સુરક્ષિત દિવાળી અને બર્ન્સ ફ્રિ ઈન્ડિયા ફોરએવર અંગે વાત કરતા બીઈંગ પેશન્ટ ફાઉન્ડેશનના સ્થાપક મીલીંદ શાહે કહ્યું હતું કે વ્યકિત્‌એ કોટનના અને ફિટ વસ્ત્રો પહેરવા જોઈએ અને તેમણે એ ઢીલા અને સિલ્કી નાઈલોનના કપડા ન પહેરવા જોઈએ. મોટા ભાગે બાળકો અને મહિલાઓને દાઝી જવાનું જોખમ વધુ રહેલુ હોયછે હંમેશા લપસી ન જવાય એવા શૂઝ પહેરવા જોઈએ. જો તમે દાઝી જાઓ તો શરીરના એ ભાગ પર સૌપ્રથમ નળનું પાણી રેડો પણ તેના પર છાશ, ટૂથપેસ્ટ, હળદર, દહી વગેરે કોઈ ચીજ ન લગાવો હમેશા નજીકના પ્લાસ્ટીક સર્જન કે દાઝી જવાની સારવાર કરનાર જનરલ સર્જનનો સંપર્ક કરો, અમે દરેકને એમ કહેવા માગીએ છીએ કે વ્યકિતએ હંમેશા ફટાકડા ખુલ્લા મેદાનમાં વાલીઓના માર્ગદર્શન હેઠળ ફોડવા જોઈએ કે જેથી દુર્ઘટના ટાળી શકાય. ફટાકડા ફોડતા પહેલા પાણીની ડોલ ભરીને સાથે રાખવી જોઈએ કે જેથી દાઝી ગયેલા ભાગ પર પાણી તરત રેડી શકાય. રાહુલ પરમારે સરકારી સહયોગ અંગે કહ્યું હતું કે દાઝી જવાના કિસ્સામાં સારવાર માટેની દવાઓ પર ટેક્ષ દુર કરવામાં આવે અને અન્ય રિહેબ કેર પ્રોડકસ પરના ટેક્ષ દુર કરવામાં આવે કે પછી તેને ઘટાડવામાં આવે એ માટે કામ કરી રહ્યા છીએ. અમે આ સાથે દાઝી ગયેલા દર્દીઓ માટે ખાસ જોગવાઈ અને રિઝર્વેશન અંગે ડિકલેરેશન માટે કામ કરીએ છીએ જેમકે તમામ સરકારી પરિવહન સેવાઓમાં જયાં સુધી દર્દીઓની વિકલાંગતા દુર ન થાય ત્યાં સુધી મફત મુસાફરી અને રિઝર્વ સીટ આપવામાં આવે.