(એજન્સી) બેમતારા,તા.૫
છત્તીસગઢના બેમતારા જિલ્લાની સાજા વિધાનસભા સીટ પર એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો. કોંગ્રેસ ઉમેદવાર રવિન્દ્ર ચૌબેના સમર્થનમાં ભાષણ આપી રહેલા યુવા કોંગ્રેસના ચર્ચિત નેતા રાહુલ દાનીની જીભ કાપવામાં આવી છે. રાહુલને ગંભીર હાલતમાં ભિલાઈના એક ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યો છે જ્યાં તેની સર્જરી કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના બાદ રાહુલ કોમામાં હતો. જણાવવામાં આવી રહ્યું છે કે, ચુંટણી સભા દરમિયાન યુવા કોંગ્રેસ નેતાને સભામાં ભાષણ આપવું ભારે પડ્યું હતું. આ ઘટના ૩૧ ઑકટોબર રાતની છે જ્યારે ધમધામાં યુવા કોંગ્રેસ કાર્યકર્તા સંમેલનને સંબોધિત કર્યા બાદ રાહુલ દાની ઢાબામાં જમવા માટે ગયા. આ દરમિયાન કેટલાક અજ્ઞાત તત્વોએ પહેલા તેમની ગાડી રોકી તેમની સાથે મારપીટ કરી અને જીભ કાપી તેમને રસ્તા પર છોડી ભાગી ગયા. ત્યારબાદ, રાહદારીઓ દ્વારા તેમને ઍમ્બ્યુલન્સમાં ભિલાઈના ખાનગી દવાખાને પહોંચાડ્યા, જ્યાં તેમનો ઉપચાર ચાલી રહ્યો છે. રાહુલ દાનીએ કહ્યું કે, “આક્રમણ પછી અજ્ઞાત હુમલાવરોએ તેમની જીભ કાપી નાખી અને તેમને મૃત અવસ્થામાં છોડી ભાગી ગયા.” ત્રણ દિવસ કોમામાં રહ્યા પછી રાહુલ રવિવારે ભાનમાં આવ્યો. વિદ્રોહ દરમિયાન અજાણ્યા હુમલાવરો કહેતા હતા કે, ‘ભાષણો આપવાનો ખુબ જ શોખ છે? હવે તારી જીભ જ કાપી દઈશું.’ આ હુમલામાં રાહુલનો ચહેરો ગંભીર રીતે ઘાયલ થયો હતો.