(એજન્સી) તા.૩
ભીમ આર્મીના સભ્યોએ આગામી ૧૯ ઓગસ્ટે નવી દિલ્હીમાં આવેલા જંતરમંતર મેદાન ખાતે દેખાવો કરવાની જાહેરાત કરી છે. તેમણે માગણી કરી છે બીજી એપ્રિલના રોજ યુપીમાં ભારત બંધ દરમિયાન જે દેખાવો કરવામાં આવ્યા હતા ત્યારે તે મામલે જે જે લોકોની ધરપકડ કરવામાં આવી અને તેમની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા તેને પાછા લઈ લેવામાં આવે. સંગઠને આ તમામ કેસ પાછા ખેંચવાની માગણી કરી છે. નોંધનીય છે કે ૨ એપ્રિલના રોજ ભીમ આર્મીના કાર્યકરોએ એસસી-એસટી એક્ટને નબળો કરવા મામલે ભારત બંધની જાહેરાત કરી હતી. તેમાં સુધારો કરવાની માગણી કરી હતી. બહુજન સંકલ્પ મહાસભાના બેનર હેઠળ આ દેખાવોનું આયોજન કરવામાં આવશે. નોંધનીય છે કે દેશભરમાં બીજી એપ્રિલના રોજ કરવામાં આવેલા દેખાવો દરમિયાન ૧૦૦૦થી પણ વધુ ભીમ આર્મીના સભ્યોની ધરપકડ કરી લેવામાં આવી છે. જોકે આ દરમિયાન ભીમ આર્મીએ કહ્યું છે કે અમે અમારા તમામ સભ્યોને અને બીજી એપ્રિલના રોજ દેખાવો દરમિયાન જે લોકોએ જીવ ગુમાવ્યા તેવા પીડિતોના પરિજનોને પણ ૧૯ ઓગસ્ટે દિલ્હી પહોંચવા આહ્‌વાન કર્યુ છે. અમે તેમને સન્માનિત કરીશું. ભીમ આર્મીના રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતને કહ્યું કે અમે એ લોકોને પણ સન્માનિત કરીશું જેમની એ દેખાવો દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી અને તેઓ આજે જામીન પર બહાર છે. ભીમ આર્મીના કાર્યકરોએ સંબંધિત રાજ્ય સરકારને આ મામલે અરજી મોકલવાની શરૂઆત કરી દીધી છે. આ દેખાવોની શરૂઆત ૧૦ વાગ્યે નથી અને આ દરમિયાન વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને આવેદન સોંપવામાં આવશે.