અમદાવાદ, ૨૧
શહેરની કેન્સર હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલો નર્સિંગ સ્ટાફ અને તંત્ર વચ્ચે ચાલતો વિવાદ હવે આગળ વધી રહ્યો છે. કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શિત કરતો સ્ટાફ આજે હડતાળ પર ઊતરી ગયો છે. જેના કારણે હાલમાં કેન્સર હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૭૦૦થી વધુ દર્દીની સારવાર અટવાઇ જવાની સંભાવના છે. તો સાથે સાથે દર્દીને હેરાન ન થવુંુ પડે તે માટે ૧પ૦ જેટલા ક્રિટિકલ સ્થિતિ ધરાવતા દર્દીઓને જી.સી.એસ હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે કેન્સર હોસ્પિટલના સર્જન ડો.આર.કે.વ્યાસે જણાવ્યું હતું કે નર્સિંગ સ્ટાફ હડતાળ ઉપર છે. પરંતુ અમે દર્દીઓ હેરાન ન થાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી લીધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહથી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ કાળી પટ્ટી પહેરીને વિરોધ પ્રદર્શન કરી રહ્યો હતો. આજે હડતાળ પર રહેલો નર્સિંગ સ્ટાફ આરએમઓની મંજૂરી વગર બિલ્ડિંગમાં પ્રવેશે નહીં તે માટે કેન્સર હોસ્પિટલની આસપાસનો વિસ્તાર સિક્યોરિટીમાં ફેરવાયો છે. કેન્સર હોસ્પિટલમાં પ્રવેશવા માટે ત્રણ દરવાજા છે. પરંતુ આજે નર્સિંગ સ્ટાફને પ્રવેશ માટે માત્ર એક જ દરવાજો ખુલ્લો રખાયો છે. બાકીના બે દરવાજા બંધ કરી દેવાયા છે. કેન્સર હોસ્પિટલના સત્તાવાળા અને નર્સિંગ સ્ટાફ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. જેના કારણે જીવલેણ બીમારીથી પીડાતા દર્દીઓએ હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે. હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર રેડિયો થેરાપી વિભાગ આજે સામાન્યતઃ કાર્યરત રહેશે.
નર્સિંગ સ્ટાફની માગણી છે કે તેમને પાંચમા અને છઠ્ઠા પગાર પંચની અમલવારીની ફાઇલ ઉપરી અધિકારીઓ પાસે પડી છે તે તાત્કાલીક ક્લિયર કરવામાં આવે અને સાતમું પગાર પંચ પણ તાત્કાલીક અમલી કરવામાં આવે. આ માગણીઓના મુદ્દે નર્સિંગ સ્ટાફ થોડા દિવસના કામ સાથેના વિરોધ બાદ હવે કામ નહીં કરવા માટેના વિરોધ સાથે હડતાળ પર ઊતરી ગયો છે.