માંગરોળ, તા.૧૪
જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે મજૂરી કરતા યુવાને ઈમાનદારી બતાવી બેંકને ૪૫ હજાર રૂપિયા રકમ પરત કર્યા. આજના યુગમાં ધોળા દિવસે લોકોને ઠગતા અને ચીલઝડપ કરતા બનાવો રોજબરોજ બને છે. બેંકોમાંથી નાણાં ઉપાડી જતા લોકોને પણ છેતરતા બનાવો બને છે. ત્યારે માંગરોળના ઈન્દિરાનગરમાં રહેતા અને ફાઈબર બોટોમાં મજૂરી કામ કરી પેટ્યું રડતા ઘાંચી મુસ્લિમ યુવાન સૉયબ યુસુફ ખાદીમ આજે માંગરોળની બેંક ઑફ બરોડામાં ૮૦હજાર રૂપિયાનો ચેક વટાવા ગયા ત્યારે કેસીયરે તેને ૮૦ હજારને બદલે એક લાખ પચ્ચીસ હજાર રૂપિયા આપી દીધા હતા. યુવાને આ પૈસા લઈ ઘરે ગયા બાદ ફરી ગણતા ૪૫ હજાર રૂપિયા વધુ આવી ગયા હોવાનું જાણવા મળતા ચોકી ગયો હતો. આથી યુવાને તેમના મિત્રોને કહી આ વધુ આવેલ રકમ પરત કરવા ફરી બેંકે આવી કેસીયર અને મેનેજરને વાત કરી આ ૪૫ હજાર જેટલી માતબર રકમ ઈમાનદાર યુવાને પરત કરી હતી. બેંકના કેશિયરે તેમનો સારો ગ્રાહક ગણાવી તેમનો આભાર માન્યો હતો.