અમદાવાદ, તા.૧૦
દેશની વિવિધ આઈઆઈએમ અને ટોપ બિઝનેસ સ્કૂલોમાં પ્રવેશ માટે લેવાયેલી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ તાજેતરમાં જ જાહેર થયું જેમાં વલસાડના સમીર ચાવડાએ ૯૯.૬૦ પર્સેન્ટાઈલ રેન્ક મેળવી સાબિત કરી દીધું કે અથાગ પરિશ્રમ થકી કોઈપણ માણસ ઈચ્છિત સિદ્ધિ હાંસલ કરી શકે છે. શ્રેષ્ઠતા પર કોઈ ધર્મ, જાતિ, જ્ઞાતિ કે સમુદાયનો ઈજારો નથી. આમ ‘સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે ન્હાય’ એ ઉક્તિને સમીરે સાર્થક કરી બતાવી છે.
વલસાડમાં બેન્ક અધિકારી તરીકે ફરજ બજાવતા મહેરીશ ચાવડાના પુત્ર સમીર ચાવડાએ ધો.૧રમાં સાયન્સના વિષયોમાં ૯૧ ટકા ગુણ મેળવી. જીવનમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવવા માટે અમદાવાદની એલડી એન્જિનિયરીંગ કોલેજમાં મેકેનિકલ એન્જિનિયરીંગનો અભ્યાસ શરૂ કર્યો. સાથે જ આઈઆઈએમ (ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ)માં પ્રવેશ મેળવી જીવનમાં કંઈ કરી બતાવવા મહેનત શરૂ કરી. તેણે એન્જિનિયરીંગના અભ્યાસની સાથે બે કલાક ટ્યુશન અને ચારથી પાંચ કલાકની મહેનત થકી નવેમ્બર-ર૦૧૭માં લેવાયેલ ઝ્રછ્‌ની પરીક્ષામાં ૯૯.૬૦ પી.આર. સાથે સફળતા મેળવી. આ પરીક્ષામાં દેશભરમાંથી બે લાખથી વધુ વિદ્યાર્થીઓ બેઠ્યા હતા જ્યારે ગુજરાતમાંથી બાર હજાર જેટલા વિદ્યાર્થીઓએ ‘કેટ’ની પરીક્ષા આપી હતી. આમ સમીરે આ બધામાં ટોપ રેન્ક મેળવી સિદ્ધિ તો મેળવી જ છે સાથે એ પણ સાબિત કર્યું છે કે હવે મુસ્લિમ વિદ્યાર્થીઓ પણ શિક્ષણના દરેક ક્ષેત્રે પ્રગતિના સોપાનો સર કરી રહ્યા છે.
‘ગુજરાત ટુડે’ સાથેની વાતચીતમાં સમીરે જણાવ્યું હતું કે આ સિદ્ધિમાં તેની મહેનતની સાથે માતા-પિતા અને પરિવારનું પ્રેરણાદાઈ માર્ગદર્શન અને સાથ-સહકાર ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થયું. સમીર આગળ જઈ પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કરવા માંગે છે તેણે મુસ્લિમ સમાજના તમામ વિદ્યાર્થીઓને મેસેજ આપ્યો છે કે કોઈપણ સમાજ તેના શિક્ષણ થકી જ પ્રગતિના સોપાનો સર કરી શકે છે. મુસ્લિમ સમાજ ધીમે-ધીમે એ દિશામાં અગ્રેસર થયો છે પણ હજુય ઘણું કરવાનું બાકી છે.