(એજન્સી) નવી દિલ્હી, તા.ર૯
સરકારે એમ. નાગેશ્વર રાવની સીબીઆઈના વચગાળાના પ્રમુખ તરીકે નિમણૂક કરી છે. દરમ્યાનમાં કંપનીઓના રજિસ્ટ્રારના દસ્તાવેજોથી માહિતી મળી છે કે રાવની પત્ની એમ.સંધ્યા અને કોલકાતાની કંપની એંજેલા મર્કન્ટાઈલ પ્રા.લિ. (એએમપીએલ) વચ્ચે નાણાકીય વર્ષ-ર૦૧૧થી ર૦૧૪ વચ્ચે નાણાકીય વહેવારો થયા હતા. રેકર્ડ મુજબ રાવની પત્નીએ એએમપીએલ પાસેથી માર્ચ-ર૦૧૧માં નાણાકીય વર્ષના અંતે રપ લાખ રૂપિયા લોન તરીકે લીધા હતા. એ પછી સંધ્યાએ કંપનીને લોન પેટે પૈસા આપ્યા હતા. એમણે નાણાકીય વર્ષ-ર૦૧રથી ર૦૧૪ દરમ્યાન ત્રણ વખત કંપનીને ૧.૧૪ કરોડ રૂપિયા લોન તરીકે આપ્યા હતા. વર્ષ-ર૦૧રમાં ૩પ.પ૬ લાખ, વર્ષ-ર૦૧૩માં ૩૮.ર૭ લાખ અને વર્ષ-ર૦૧૪માં ૪૦.ર૭ લાખ રૂપિયા આપ્યા હતા.
આ કંપનીના ડાયરેકટર પ્રવીન અગ્રવાલ છે. એમણે જણાવ્યું કે, સંધ્યા અમારા પરિવારિક મિત્ર રાવની પત્ની છે. હું રાવને ત્યારથી ઓળખું છું જ્યારે તેઓ ઓરિસ્સામાં અધિકારી હતા. એ અમારા પારિવારની જેમ છે. જો તમે કોઈને પારિવારિક મિત્ર માનો છો તો એમની સાથે નાણાંની લેવડ-દેવડમાં શું ખોટું છે ? બીજી બાજુ રાવની પત્ની અને એએમપીએલ વચ્ચે થયેલ નાણાકીય વહેવારો બાબત સીબીઆઈના પ્રવકતા સાથે વાતચીતનો પ્રયાસ કરાતા એમણે કોઈપણ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો.
રાવને સીબીઆઈના વચગાળાના પ્રમુખ તરીકે નિમણૂક અપાઈ છે. સરકારે સીબીઆઈના વડાઓ આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે થયેલ સંઘર્ષના લીધે બંને ફરજિયાત રજા ઉપર ઉતારી દીધા હતા અને રાવની આ હોદ્દા ઉપર નિમણૂક કરી હતી.