(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
સુપ્રીમ કોર્ટના આદેશને પગલે બુધવારે સીબીઆઇના વચગાળાના વડા તરીકે નિમાયેલા એમ નાગેશ્વર રાવ કોઇ નીતિ વિષયક નિર્ણયો લઇ શકશે નહીં. આલોક વર્માને બળજબરીથી રજા પર ઉતારી દેવાના કેન્દ્ર તથા સીવીસીના આદેશ બાદ સુપ્રીમે આલોક વર્માની અરજી પર સુનાવણી કરતા કહ્યું છે કે, ૨૩મી ઓક્ટોબરથી જે નિર્ણયો નાગેશ્વર રાવ દ્વારા લેવાયા છે તે તમામ આદેશોને બંધ કવરમાં કોર્ટને સોંપી દેવાકહેવાયું છે તથા વચગાળાના અધ્યક્ષ હાલ કોઇ મોટા નિર્ણયો લઇ શકશે નહીં. આલોર વર્મા અને તેમના ડેપ્યુટી રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દેવાયા બાદ સીબીઆઇના અધિકારીઓની રાતોરાત સાગમટે બદલીઓનો આદેશ પણ સુપ્રીમ કોર્ટની બેંચે સ્થગિત કર્યો છે.
વચગાળાના પ્રમુખ નાગેશ્વર રાવ દ્વારા લેવાયેલા નિર્ણયો
– મંગળવારે રાતે ૧.૦૦ વાગે પોતાની નિમણૂંકના કલાકોમાં જ રાવે ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાની ટોપ ફ્લોર પર આવેલી ઓફિસો સીલ કરવાનો આદેશ આપ્યો. રાવ દિલ્હી પોલીસના કાફલા સાથે આવ્યા અને ૧૧મા માળને સીલ કર્યો બાદમાં ૧૦મા માળને પણ તાળું લગાવ્યું. રાવની અધ્યક્ષતાવાળી એજન્સીએ બાદમાં મોટાભાગે વર્મા સાથે કામ કરતા ૧૪ સીબીઆઇ અધિકારીઓની બદલી કરી નાખી. આ અધિકારીઓ લાંચના આરોપો અંગે અસ્થાના વિરૂદ્ધ તપાસ કરી રહ્યા હતા.
– મોટા પાયે બદલીઓ માટે વર્મા સાથે નજીકના સંબંધ ધરાવનારા જોઇન્ટ ડિરેક્ટર એકે શર્માનું કદ વેંતરી નાખવા માટે કરવામાં આવી હોવાનું મનાય છે. આ બંને અધિકારીઓને રજા પર ઉતારાયા બાદ શર્માનું મહત્વ વધી જાય છે જોકે, અસ્થાના શર્માને પોતાના કેસોથી દૂર રાખતા હતા.
– ચાવીરૂપ બદલીનો વધુ એક શિકાર છે અનિશ પ્રસાદ. પ્રસાદ સર્વેલન્સ યુનિટ(એસયુ)જે સીબીઆઇની ટોચની યુનિટ છે તેમાં ડીઆઇજી હતા. જુલાઇમાં અસ્થાના અને વર્મા વચ્ચેના ઘર્ષણમાં પ્રસાદ કેન્દ્ર સ્થાને હતા. સીવીસીને લખેલા પત્રમાં અસ્થાનાએ પોતાની પુત્રીના લગ્નો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે પારિવારિક પ્રસંગોમાં પણ સીબીઆઇએ પરિવારના સભ્યોની જાસૂસી કરી છે.
– રાકેશ અસ્થાના વિરૂદ્ધ તપાસ કરી રહેલા સીબીઆઇના ડીએસપી એકે બસ્સી પોર્ટ બ્લેરમાં ટ્રાન્સફર આપી દેવાઇ છે.
– શર્માના નજીકના ગણાતા એસી-૩ના એડિશનલ એસપી એસએસ ગુર્નને જબલપુર ટ્રાન્સફર થવાનો આદેશ અપાયો છે.
– પીએનબી કૌભાંડ જેવા ચાવીરૂપ કેસોની તપાસમાં સામેલ તથા શર્માના નજીકના મનાતા બેન્કિંગ એન્ડ સિક્યુરિટી ફ્રોડ સેલ તથા એસી-૩માં ડીઆઇજી એમ કે સિંહા હેડક્વાર્ટરથી નાગપુરની કચેરીમાં ટ્રાન્સફર આપી દેવાઇ છે.
– બીજી તરફ અસ્થાનાની નજીકના અધિકારીઓને વધુ મોટી જવાબદારીઓ આપી દેવાઇ.
– અસ્થાનાની એસઆઇટી ટીમના જોઇન્ટ ડિરેક્ટર સાઇ મનોહરમે ચંદીગઢ ઝોનમાં જોઇન્ટ ડિરેક્ટર તરીકે નિમાયા છે પણ ટ્રાન્સફર આદેશ કહે છે કે, સીબીઆઇમાં દિલ્હીના વડામથકે પોતાના પદે ચાલુ રહેશે તથા જાહેર હિતમા ટીએફસી તથા એસઆઇટીનો ચાર્જ જાળવી રાખશે.
– વચગાળાના ડિરેક્ટર નાગેશ્વર રાવ સાથે કામ કરનારા સ્પેશિયલ ક્રાઇમના ડીઆઇજી જસબીરસિંહને તાજેતરમાં શર્મા હેઠળ રહેલા બીએસએફસીનો વધારાનો ચાર્જ આપી દેવાયો છે.