પી.ચિદમ્બરમ્‌ પાછળ પડી ગયેલ સીબીઆઈ માટે કોંગ્રેસે કહ્યું છે કે, ભાજપ સરકાર રાજકીય બદલો લઈ રહી છે. આ જ પ્રકારના આક્ષેપો ભાજપાએ યુપીએ સરકાર વખતે કોંગ્રેસ સામે મૂકયા હતા જ્યારે પી.ચિદમ્બરમ્‌ ગૃહમંત્રી હતા અને એમના આદેશના પગલે સીબીઆઈએ અમિત શાહની ધરપકડ કરી હતી. અમિત શાહ સામે જાન્યુઆરી ર૦૧૦માં આક્ષેપો મૂકાયા હતા કે એમના કહેવાથી સોહરાબુદ્દીનનો એન્કાઉન્ટર કરાયો હતો. ૬ મહિના પછી જુલાઈ ર૦૧૦માં સીબીઆઈએ અમિત શાહની ધરપકડ સોહરાબુદ્દીનના એન્કાઉન્ટર સંદર્ભે કરી હતી. એમની સામે હત્યા, ખંડણી અને અપહરણના આક્ષેપો મૂકાયા હતા જ્યારે અમિત શાહે જામીન માટે અરજી દાખલ કરી હતી ત્યારે સીબીઆઈએ ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીનો વિરોધ કરી જણાવ્યું હતું કે, અમિત શાહ વગદાર વ્યક્તિ છે જેથી પુરાવા અને સાક્ષીઓ સાથે ચેડા કરી શકે છે. ત્રણ મહિના પછી ર૯મી ઓક્ટોબર ર૦૧૦માં અમિત શાહને જામીન મળ્યા હતા. બીજા દિવસે સીબીઆઈ જજ આફતાબ આલમના ઘરે ગઈ હતી અને અમિત શાહના ગુજરાત પ્રવેશ ઉપર પ્રતિબંધનો આદેશ મેળવ્યો હતો. અમિત શાહ ર૦૧૦થી ર૦૧ર સુધી ગુજરાત બહાર રહ્યા હતા. અમિત શાહે કોંગ્રેસ અને પી.ચિદમ્બરમ્‌ ઉપર સીબીઆઈના દુરૂપયોગના આક્ષેપો મૂકયા હતા. ર૦૧૪માં મોદી સરકાર આવતા અમિત શાહ બધા આક્ષેપોમાંથી મુક્ત થઈ ગયા. ભાજપાએ જે તે વખતે કોંગ્રેસ ઉપર સીબીઆઈના દુરૂપયોગના આક્ષેપો મૂકયા હતા. આજે એ જ આક્ષેપો કોંગ્રેસ ભાજપ ઉપર મૂકી રહી છે.