(એજન્સી) મુંબઈ, તા.૧૩
સોહરાબુદ્દીન શેખ હત્યા કેસમાં એક મુખ્ય સાક્ષીની સીબીઆઈએ કથિત રીતે અવગણના કરી દીધી છે. આ કેસમાં સોમવારે ૬ આરોપીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા હતા. મહેન્દ્રસિંહ ઝાલાએ ૧૧ માર્ચ ર૦૧૪ના દિવસે સીબીઆઈને આપેલા પોતાના નિવેદનમાં આરોપ લગાવ્યો હતો કે સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એટીએસ) અભય ચુડાસમાએ તેમને મારી નાખવાની ધમકી આપીને પૈસા પડાવ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે આવું જ સોહરાબુદ્દીનની સાથે કરવામાં આવ્યું હતું. ત્યારપછીથી સીબીઆઈએ તેમને પૂછપરછ માટે બોલાવ્યા ન હતા. જાણવા મળ્યું છે કે અત્યારસુધી સીબીઆઈએ સાક્ષીઓની ૬ યાદી જમા કરાવી છે, પરંતુ કોઈમાં પણ ઝાલાનું નામ નથી. ઉલ્લેખનીય છે કે ર૬ નવેમ્બર ર૦૦પના દિવસે મધ્યપ્રદેશના સ્થાનિક અપરાધી સોહરાબુદ્દીન શેખને ગુજરાત એટીએસ અને રાજસ્થાન પોલીસે ગાંધીનગરમાં કથિત રીતે એન્કાઉન્ટર કરીને મારી નાખ્યો હતો. એટીએસે જણાવ્યું હતું કે તે શહેરમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને મારવા આવ્યો હતો. જો કે, સીબીઆઈ અનુસાર સોહરાબુદ્દીનનું રર નવેમ્બરે તેલંગાણા સીમા પાસે પત્ની કૌસર અને સહાયક તુલસીરામ સહિત અપહરણ કરી લેવામાં આવ્યું હતું. ઝાલાએ આરોપ લગાવ્યો કે આઈપીએસ અધિકારી ડીજી વણઝારા અને રાજકુમાર પાંડ્યાએ તેમને ઈલેક્ટ્રીક શોક આપવાની ધમકી આપી હતી. ઝાલાએ સીબીઆઈને લખેલા પત્રમાં પૂછપરછ માટે ન બોલાવવા પર કાયદાકીય કાર્યવાહીની ધમકી આપી છે. સોહરાબુદ્દીન કેસની સુનાવણી સ્પેશિય સીબીઆઈ કોર્ટમાં થઈ રહી છે. જેની અધ્યક્ષતા જજ એસ.જે. શર્મા કરી રહ્યા છે. ઝાલાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, એટીએસએ ૮ ડિસેમ્બર ર૦૦પના દિવસે તેમની ધરપકડ કરી અને એક અઠવાડિયા સુધી તેમને કસ્ટડીમાં રાખ્યા હતા. આ દરમિયાન ચુડાસમા એટીએસ ઓફિસમાં બે વખત આવ્યા અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઝાલાએ આ પણ જણાવ્યું કે, બંને દિવસ ચુડાસમા ટાટા ક્વોલિસ લઈને આવ્યા હતા. આ જ ગાડીમાં સોહરાબુદ્દીનનું અપહરણ થયું હતું. સૂત્રો અનુસાર, ઝાલાએ સીબીઆઈને પત્ર લખવાનો નિર્ણય ત્યારે લીધો જ્યારે અનેક સાક્ષી ફરી ગયા. વર્તમાન ટ્રાયલમાં ૧૦૬થી ૯૧ સાક્ષી ફરી ગયા છે. ઝાલાએ પોતાના નિવેદનમાં ગુજરાતના નામચીન બિલ્ડરોના પણ ચુડાસમા અને સોહરાબુદ્દીનના ઉઘરાણી રેકેટમાં ફસાયેલા હોવાની પણ વાત જણાવી છે. સીબીઆઈ અનુસાર ચુડાસમાએ સોહરાબુદ્દીનને ઉઘરાણી માટે મોકલ્યો હતો. ચુડાસમાના કહેવા પર સોહરાબુદ્દીને ૮ ડિસેમ્બ ર૦૦૪ના દિવસે તુલસીરામ અને સિલવેસ્ટર ડેનિયાલને પોપ્યુલર બિલ્ડર્સના પરિસરમાં ગોળીબાર માટે મોકલ્યા હતા. ઝાલાએ જણાવ્યું કે જ્યારે તેમને ફાયરિંગ વિશે જાણ થઈ તો તેઓ સમજી ગયા કે આ ચુડાસમાનું કામ છે. ઝાલાના નિવેદનમાં આ પણ જણાવવામાં આવ્યું છે કે અહેમદાબાદ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ બેંકના નિર્દેશક યશપાલે ચુડાસમાની પાસે પણ પૈસા રાખ્યા.