(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૨
૨૦૦૭માં આઇએનએક્સ મીડિયા સંબંધિત કથિત મની લોન્ડરિંગ કેસમાં તપાસ એજન્સીઓ સાથે સહકાર નહીં કરવાના સરકારી વકીલના દાવાને પી ચિદમ્બરમે કોર્ટમાં ફગાવી દીધા હતા. બુધવારે નાટકીય રીતે દિલ્હીના જોરબાગ ખાતેના તેમના નિવાસમાંથી ધરપકડ કરાયાના કલાલો બાદ સીબીઆઇ કોર્ટમાં તેમણે જણાવ્યું હતું કે, મહેરબાની કરીને તમે સવાલો અને જવાબો વાંચી લો, એવો એક પણ સવાલ નથી જેનો મેં જવાબ ના આપ્યો હોય તમે સંવાદ વાંચી શકો છો. તેમણે મને પુછ્યું વિદેશમાં તમારૂં ખાતું છે ત્યારે મેં કહ્યું નહીં. તેમણે પુછ્યું મારા પુત્રનું વિદેશમાં ખાતું છે ત્યારે મેં હામાં જવાબ આપ્યો.
સીબીઆઇ હેટક્વાર્ટરમાં સવારે ત્રણ કલાક પુછપરછ કર્યા બાદ ચિદમ્બરમને કોર્ટમાં લઇ જવાયા હતા. તેમણે મુખ્ય ન્યાયાધીશને એમ પણ જણાવ્યું હતું કે, તપાસ એજન્સી દ્વારા કસ્ટોડિયલ પુછપરછની માગની કોઇ જરૂર નથી કારણ કે, આ કેસમાં હવે બીજું કાંઇ નવું નથી અને તેઓ પુરાવા સાથે કોઇ છેડછાડ કરી રહ્યા નથી અને ભાગી જવાનું જોખમ પણ નથી. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા વિરોધ કરવા છતાં કોર્ટમાં પોતે દલીલ કરવાની પરવાનગી માગી હતી જેને જજે તેમને પરવાનગી આપી હતી. સીબીઆઇએ એમ કહીને કોર્ટ પાસે પાંચ દિવસના રિમાન્ડ માગ્યા હતા કે તેઓ આએનએક્સ મીડિયા કેસ અંગેના સવાલોના જવાબ આપવામાં સહયોગ કરી રહ્યા નથી.