(એજન્સી) નવી દિલ્હી, તા.ર૪
વડાપ્રધાનના કાર્યાલયની સૂચના હેઠળ સીબીઆઈ ટોચના ૮ ઈન્કમટેક્ષ અધિકારીઓ અને સીબીડીટીના ચેરમેન સુશીલ ચંદ્રા સામે ખાનગી તપાસ ચલાવી રહી છે. તેમ નાણાં મંત્રાલયના સૂત્રોનું કહેવું છે. મે ના અંતમાં નિવૃત્ત થઈ રહેલા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્ષના ચેરમેનની મુદ્દત વધારવા માટેની ફાઈલ વડાપ્રધાનના કાર્યાલયમાં રોકી રખાઈ છે. જેઓ નીરવ મોદી કાંડની તપાસ કરી રહ્યા છે. સૂત્રોએ કહ્યું કે અંતિમ નામ પસંદ કરતા પહેલાં તમામ સીબીડીટીના સભ્યોને વિજીલન્સ ક્લીયરન્સમાંથી પસાર થવાનું રહેશે. તેમ પીએમઓની સુચના છે. એવું મનાય છે કે નીરવ મોદીની કંપનીઓ અને શોહમના કેશ ટ્રાન્જેકશન અને તેનું મૂલ્ય ઓછું નક્કી કરી ઈન્કમટેક્ષના અધિકારીઓએ ખોટો અહેવાલ આપ્યો છે. તેથી ઈન્કમટેક્ષના અધિકારીઓ સીબીઆઈની નજરમાં શંકાના દાયરામાં આવ્યા છે. પીએનબીના ૧૩ હજાર કરોડના કૌભાંડની તપાસમાં આ ગોટાળા કરાયા હતા. ઈન્કમટેક્ષના અધિકારીઓએ આ તપાસની વિગતો સીબીઆઈને કે ઈડીને આપી નથી. ઈતિહાસમાં પહેલીવાર સીબીડીટીના સભ્યો સામે પહેલીવાર વિજીલન્સની તપાસનો સામનો કરે છે. આ ઉપરાંત દિલ્હી સ્થિત સીબીઆઈના કેટલાક વરિષ્ઠ અધિકારીઓ પણ તપાસ એજન્સીના રડાર પર છે. સોમવારે સીબીઆઈની ટીમે મુંબઈની આઈટી ઓફિસની મુલાકાત લઈ સીસીટીવી ફુટેજ મેળવ્યા હતા.