નવી દિલ્હી, તા. ૨૮
ગુજરાત કેડરના આઇપીએસ અધિકારી રાકેશ આસ્થાનાને સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂંકને પડકાર આપનારી વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ઉલ્લેખનીય છે કે, આસ્થાનાને સીબીઆઇના વિશેષ ડાયરેક્ટર બનાવવા વિરૂદ્ધ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. રાકેશ આસ્થાનાને સીબીઆઇના વિશેષ ડાયરેક્ટર બનાવવા અંગેના પ્રસ્તાવને પાછલા મહિને ૨૨ ઓક્ટોબરના રોજ મંજૂરી આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેબીનેટની નિયુક્તિ સમિતિએ આસ્થાના સહિત સીબીઆઇ, આઇબી, બીએસએફ અને એનઆઇસીએફએસમાં આઠ અધિકારીઓની નિયુક્તિના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી.
આસ્થાનાની નિમણૂંકને એક એનજીઓ કોમન કોઝ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી પડકારાઈ હતી. એનજીઓ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે બેંચને જણાવ્યું હતું કે, આ મામલો વિશેષ સીબીઆઇ નિર્દેશકના રૂપમાં એક વ્યક્તિની નિમણૂંકનો છે. અમે તેને પડકાર આપી રહ્યા છીએ. અરજીમાં આસ્થાનાની નિમણૂંક ગેરકાયદે અને મનમાની રીતે ગણાવી છે. અરજીમાં દાવો કરાયો હતો કે, સીબીઆઇ એક કેસની તપાસ કરી રહી છે જેમાં આસ્થાનાનું નામ છે. આસ્થાનાની નિમણૂંકને રદ કરવાની માગણી કરતી અરજીમાં કેન્દ્રને એ નિર્દેશ આપવાનો અનુરોધ કરાયો હતો કે, તેઓ આઇપીએસ અધિકારી વિરૂદ્ધ કેસની પૃષ્ઠભૂમિમાં એજન્સી પાસેથી તેમની બદલી કરે. પ્રશાંત ભૂષણે દાવો કર્યો હતો કે, સરકાર અને પસંદગી સમિતીએ આ અંગે સીબીઆઇના નિર્દેશકના મંતવ્ય વિરૂદ્ધ નિર્ણય કર્યો છે જે કાયદાનું ઉલ્લંઘન છે. તેમાં એમ પણ જણાવાયું છે કે, વિશેષ નિર્દેશક સીબીઆઇમાં બીજા નંબરનો અધિકારી હોય છે. અરજીમાં કહેવાયું હતું કે, સીબીઆઇ દ્વારા ચાલી રહેલી તપાસમાં આસ્થાના અડચણ પેદા કરી શકે છે.