(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૬
સીબીઆઇમાં તાજેતરમાં થયેલા હોબાળા બાદ સરકારે સીબીઆઇના ડિરેક્ટર આલોક વર્મા અને સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાનાને રજા પર ઉતારી દીધા છે અને તપાસ એજન્સીના જોઇન્ટ ડિરેક્ટર નાગેશ્વર રાવને વચગાળાના ડિરેક્ટર નિયુક્ત કરી દીધા છે. હવે એક અહેવાલમાં એવો ખુલાસો થયો છે કે સીબીઆઇના નવા વચગાળાના ડિરેક્ટર નાગેશ્વર રાવ હિન્દુ સાંસ્કૃતિક સંસ્થાઓ સાથે નજીકના સંબંધો ધરાવે છે. એટલું જ નહીં, તેઓ રાષ્ટ્ર્‌ીય સ્વયં સેવક સંઘના કેટલાક સભ્યોના પણ નિકટના હોવાનું માનવામાં આવે છે. નાગેશ્વર રાવ ભાજપના નેતા અને આરએસએસના પ્રચારક રામ માધવના પણ નિકટના હોવાનું જણાવવામાં આવ્યું છે. એક અહેવાલમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે નાગેશ્વર રાવ હિન્દુ મંદિરોને રાજ્ય સરકારોના અધિકાર ક્ષેત્રની બહાર કરવાની માગણી કરનારી ઘણા સંસ્થાઓ સાથે જોડાયેલા છે. નાગેશ્વર રાવ લઘુમતી સંસ્થાઓની હિમાયત કરનાર અને હિન્દુઓ સાથે ભેદભાવપૂર્ણ વ્યવહાર કરનાર કાયદાઓમાં ફેરફાર કરવાની માગણીના પણ હિમાયતી છે. દેશમાંથી બીફની નિકાસ પર સ્ટે મુકવાની માગણી કરતી સંસ્થાઓ સાથે પણ તેઓ જોડાયેલા છે. અસરકારક થિંક ટેંક ગણાતા ધ ઇન્ડિયા ફાઉન્ડેશન અને વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન સાથે સંબંધિત કાર્યક્રમોમાં પણ નાગેશ્વર રાવ ભાગ લેતા રહે છે. ગત ૨૩મી સપ્ટેમ્બરે હિન્દુઓની માગણી અંગે એક ચાર્ટર તૈયાર કરવામાં સામેલ મહત્વના ૭ લોકોમાં નાગેશ્વર રાવનો પણ સમાવેશ થાય છે. શ્રીજન ફાઉન્ડેશનના ઇન્ડિયન નેશનલ ટ્રસ્ટ ફોર આર્ટ એન્ડ કલ્ચર હેરીટેજ કાર્યક્રમમાં પણ નાગેશ્વર રાવ સામેલ થયા હતા. આ સંસ્થાનો ઉદ્દેશ ભારતીય ઇતિહાસમાં લેફ્ટ અને માર્કસવાદીઓ દ્વારા તૈયાર કરાયેલા એન્ટી હિન્દુ અને એન્ટી નેશનલ નેરેટિવને ખતમ કરવાનો છે.