(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૫
વડાપ્રધાનને કઠોર, મજબૂત અને વ્યર્થની વાતો ન કરનારી વ્યક્તિ તરીકે સમજવામાં આવે છે જેમણે વરિષ્ઠ મંત્રીઓ પર અંકુશ લગાવી રાખ્યો છે અને ઘણા અધિકારીઓને પાણીચું આપી દીધું છે પણ પ્રત્યક્ષ રીતે તેમની સામે સૌથી શક્તિશાળી અને નિર્ણાયક વિંગ સીબીઆઇના સંકટને ઉકેલવાનો મામલો આવ્યો ત્યારે તેમણે તો તેમણે તેનાથી હાથ ખંખેરી લીધા. સીબીઆઇનું સંકટ પાછલા એક વર્ષથી ચાલુ છે. સીબીઆઇ ડિરેક્ટર આલોક વર્મા અને બીજા નંબરના અધિકારી રાકેશ અસ્થાના વચ્ચેનો જંગ એવા સમયે અત્યંત નીચલી પાયરીએ જતો રહ્યો જ્યારે તેમણે કેટલાક સંયુક્ત ડિરેક્ટરો અને અન્ય અધિકારીઓના પ્રમોશન મામલે બોલાવેલી સીવીસીની મહત્વપૂર્ણ બેઠકમાં ખુલ્લેઆમ લડાઇ કરી હતી.
વર્માએ બેઠકમાં પોતાના જુનિયર અધિકારી સામે પ્રશ્ન ઉઠાવ્યો જેનાથી ઘર્ષણ વધી ગયું હતું. પીએમ મોદીના એક અન્ય વિશ્વાસપાત્ર એકે શર્મા(હાલ જોઇન્ટ ડિરેક્ટર) રાકેશ અસ્થાના વિરૂદ્ધ વર્મા સાથે મળી ગયા હતા. અસ્થાના વિરૂદ્ધ કેટલાક વરિષ્ઠ અધિકારીઓ વર્મા સાથે મળવાનુંકારણ અસ્થાનાનો વ્યવહાર હતો જેઓ પોતાને સીબીઆઇના ડિફેક્ટો પ્રમુખ સમજી રહ્યા હતા. વર્માને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલનું સમર્થન પ્રાપ્ત છે જ્યારે અસ્થાનાની મદદ વડાપ્રધાનના સચિવ પીકે મિશ્રા કરે છે. સમસ્યાનેઉકેલવી કઠિન થઇ ગઇ કેમ કે, પીએમ બંને અધિકારીઓ વચ્ચેના જંગમાં સમાધાન કરવા માટે ઇચ્છુક ન હતા. વર્મા જાણતા હતા કે, ૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ તેમના સેવાનિવૃત્ત થયા બાદ નવા ડિરેકટરના રૂપમાં અસ્થાના તેમના લોહીના તરસ્યા બનશે તેથી તેમણે અસ્થાનાની કથિત અનિયમિતતાના પુરાવા એકઠા કરી તેમની કબર અગાઉથી જ ખોદવાનો નિર્ણય કર્યો પણ પીએમ ગંભીર થતી સ્થિતિને જાણતા હતા. પણ તેમણે મિશ્રા અને ડોવાલને સ્થિતિને ઉકેલવાની પરવાનગી આપી જે હવે જાહેરમાં આવી ગઇ છે.