(એજન્સી) તા.૩૦
યુપીના ગોરખપુરમાં થયેલા ઓક્સિજન કાંડના હીરો એવા ડો. કફીલખાનના પરિવાર પર જાણે હવે મુશ્કેલીની તવાઇ આવી હોય તેમ એક પછી એક તેમના પરિવારના સભ્યો પર હુમલા વધી ગયા છે. તાજેતરમાં ડો. કફીલખાનના ભાઇ કાસીફ જમીલ પર ગોરખનાથ મંદિર નજીકમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે આ ઘટના ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ઘર નજીક જ બની હતી. જોકે આ મામલે ડો. કફીલખાનના ભાઇ અબીલ અહેમદ ખાને મુખ્યમંત્રી યોગીને પત્ર લખતાં શુક્રવારે અપીલ કરી હતી કે તેઓ આ મામલે સીબીઆઇ તપાસ કરાવે અને તેમના ભાઇ તથા પરિવારને ન્યાય અપાવે. જોકે તેમણે આ પત્રમાં એ બાબતનો પણ ઉલ્લેખ કર્યો હતો કે એસ.પી.વિનયકુમાર સિંહ અને ગોરખનાથના સીઓ પ્રવીણસિંહ દ્વારા તેમના ભાઇને તાત્કાલિક મેડિકલ સુવિધા અપાવવામાં પણ વિલંબ કરવામાં આવ્યો હતો. તેમને ચાર કલાક મોડી સારવાર મળી હતી. તેમણે કહ્યું હતુંં કે મારા ભાઇ કાસીફ જમીલની મેડિકો લીગલ ડો. વજાહત કરીમ દ્વારા સ્ટાર હોસ્પિટલમાં પૂરી દેવામાં આવી હતી. ગોરખનાથના સીઓ પ્રવીણ સિંહને ત્યારે એસપી વિનયકુમાર સિંહનો ફોન આવ્યો અને તેમણે કહ્યું કે હું વિચારું છું ત્યાં સુધી કાસીફ જમીલને બીઆરડી મેડિકલ કોલેજમાં મેડિકો લીગલ માટે ટ્રાન્સફર કરવા જોઇએ. જોકે ત્યારે હોસ્પિટલમાં એમસીએચ કે ન્યુરોસર્જન હાજર ન હતા જેઓ દર્દીને કેજીએમસી લખનૌ ખાતે રિફર કરી શકે. જોકે તેમણે એમ પણ કહ્યું હતુંં કે મેડિકો લીગલ બે વાર ન કરી શકાય. જોકે આ તો સામાન્ય વાત છે કે મેડીકો લીગલ બીજીવાર કરવાની ત્યારે જ જરુર પડે છે કે જ્યારે જિલ્લા ઇન્સ્પેક્ટરકે ચીફ હેલ્થ ઇન્સ્પેક્ટર દ્વારા તે માટે કહેવામાં આવે. તેમણે મુખ્યમંત્રીને આ મામલે લખ્યું હતુંં કે ત્યારે ડો. કફીલખાન અને ડો. રણવિજયસિંહ ત્યાં હાજર હતા. તેમણે લખ્યું કે અધિકારીઓએ લગભગ ચાર કલાક એમ ને એમ બગાડ્યાં હતાં. જોકે સુપ્રીમકોર્ટનો આદેશ પણ છે કે પહેલા દર્દીને સારવાર આપવામાં આવે અને પછી જ તપાસ શરૂ કરવામાં આવે.