(એજન્સી) નવી દિલ્હી, તા.રપ
સુપ્રીમકોર્ટની દેખરેખ હેઠળ તમિલનાડુના થુથુકુડીમાં સ્ટલાઈટ અંગે વિરોધ પ્રદર્શન વખતે પોલીસ ગોળીબારમાં નાગરિકોના મોતની સીબીઆઈ તપાસ માટે સર્વોચ્ચ અદાલતમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમકોર્ટમાં પ્રેક્ટિસ કરતા એડવોકેટ જી.એસ.મણીએ આ અરજી દાખલ કરી હતી અને માંગ કરી હતી કે થુથુકુડીના સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ અને અન્ય પોલીસ અધિકારીઓ સામે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦ર હેઠળ ગુનો નોંધવામાં આવે. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ગોળીબારમાં મૃત્યુ પામનારાઓના કુટુંબીજનોને રૂા.દસ લાખની સહાય એ જઘન્ય છે અને આ નૃશંસ હત્યારાઓમાંથી છટકવાની એક બારી છે. તેમણે મૃતકોના કુટુંબીજનો માટે રાહત પેટે રૂા.પ૦ લાખની સહાયની માંગ કરી હતી અને ગંભીર રીતે ઘવાયેલાઓ માટે રૂા.રપ લાખના વળતરની માંગ કરી હતી. અરજીમાં વધુમાં માંગ કરાઈ હતી કે તમિલનાડુના આ અસરગ્રસ્ત જિલ્લામાં ફરીથી ઈન્ટરનેટ સેવા શરૂ કરવામાં આવે. ઘટના બાદ વિસ્તારમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાઈ હતી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને જિલ્લા કલેકટરના ઈશારે પોલીસ દ્વારા આયોજનબદ્ધ રીતે આ હત્યાઓ કરવામાં આવી હતી. અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે આ ઘટનામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સામેલ હોવાથી તેની ન્યાયિક તપાસ થવી મુશ્કેલ છે. જેથી આ હત્યાઓની તપાસ સીબીઆઈ પાસે કરાવવી જોઈએ.