કોડીનાર, તા.૧૦
આજથી ચાર વર્ષ પહેલા કોડીનાર તાલુકા વેળવા ગામની પરિણીત મહિલાનું અપહરણ કરી તેના ઉપર ત્રણ શખ્સોએ દુષ્કર્મ ગુજારીને તેની જીવતી સળગાવી દેવાની બનેલી ઘટનાના આરોપીઓને કોર્ટે પુરાવાના અભાવે નિર્દોષ છોડી દેતા કોડીનારની સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીની મહિલાઓએ આ ચુકાદા સામે પોલીસની નિષ્ક્રિયતાના કારણે આરોપીઓ છૂટી જવા અંગે સ્પે. સી.બી.આઈ.ની તપાસની માંગ સાથે એક વિશાળ રેલી યોજી કોડીનાર મામલતદાર અને પોલીસને એક આવેદનપત્ર પાઠવી બળાત્કાર અને હત્યાના આ આરોપીને ફાંસીની સજા કરવા માંગ કરી હતી.
ગેંગરેપના બનાવની વિગત અનુસાર આજથી ચાર વર્ષ પહેલા તા.૧ર/૧૧/૧પના રોજ વેળવા ગામની પરિણીતા તેમની નજીક આવેલા પીયર નાનાવાડા ગામ જવા નીકળી હતી તે વખતે રોહિત કેશરભાઈ ડોડિયા, અતુલ ભગવાનભાઈ પરમાર અને જયદિપ લખમણ બોરિયાએ તેણીનું અપહરણ કરી દેવળી ગામના ખારામાં (અવાવરૂ જગ્યા) લઈ જઈ તેના ઉપર વારાફરતી દુષ્કર્મ આચરતા પરિણીતા રાડારાડ કરવા લાગતા પોતાના કૃત્યની જાણ થઈ જવાની બીકે તેણીને ઈન્જેકશન આપી બેભાન કરી મોટરસાયકલમાંથી પેટ્રોલ કાઢી સળગાવી દીધી હતી. મૃતક પરિણીતા સોરઠ વિકાસ મંડળની સભ્ય હોઈ તે વખતે પણ આરોપીઓને પોલીસ છાવરતી હોઈ વિશાળ રેલી કાઢી હતી અને આરોપીને ઝડપી લેવા વારંવાર રજૂઆતો પછી પોલીસે ઉપરોક્ત ત્રણે આરોપીને ઝડપી લીધા હતા. પરંતુ પોલીસ તપાસમાં છીંડા રાખી દેતા કોડીનારની એડિશનલ સેસન્સ કોર્ટે ફરિયાદ પક્ષ મૌખિક કે દસ્તાવેજી પુરાવાઓના આધારે ગુનો પુરવાર ન કરી શકેલ હોય અને કોઈપણ સાંયોગીક પુરાવાની કડી ન મળતા આ તમામ આરોપીને શંકાનો લાભ આપી નિર્દોષ છોડી મૂકતા સોરઠ ગ્રામીણ વિકાસ મંડળની આઠ હજાર જેટલી સભ્ય મહિલાઓમાં રોષ ફેલાયો હતો જેથી આજરોજ તેમની મંડળની ઓફિસેથી એક વિશાળ રેલી કાઢી આ ગેંગરેપના કેસની પુનઃ સમીક્ષા કરવા તેમજ આ કેસની સી.બી.આઈ. મારફત તપાસ કરવાની માંગ સાથે એક વિસ્તૃત આવેદન કોડીનાર મામલતદારને પાઠવ્યું હતું.