(એજન્સી) તા.૨૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજકાલ ચિંતિત છે. તેમના ખાસ વિશ્વાસુ અને અગ્રણી રાષ્ટ્રીય તપાસ સંસ્થા સીબીઆઇના સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના મીટ નિકાસકાર મોઇન કુરેશી તરફથી ભ્રષ્ટાચાર અને લાંચ લેવાના ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે અને વડાપ્રધાનને ડર છે કે તેઓ અને તેમની સરકારને આ વિવાદના વમળમાં ઘસેડવામાં આવી રહી છે.
સીબીઆઇએ તેના નંબર ટુ અધિકારી રાકેશ અસ્થાના વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરી છે અને પોતાના જ ઓફિસ સ્થળો પર દરોડા પાડ્યા છે અને અસ્તાનાને સીધું રિપોર્ટીંગ કરતા સીબીઆઇના નાયબ અધિક્ષક દેવેન્દ્ર કુમારથી અસ્થાનાને બચાવવા માટે જાલી દસ્તાવેજો અને જૂઠાણાના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અખબારી અહેવાલો અનુસાર વડાપ્રધાને સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્માને બોલાવ્યા હતા અને તેમની સાથે ચર્ચા કરી હતી તેમજ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળવા મોકલ્યા હતા કે જેમણે વર્માને વાકેફ કર્યા હતા.
જ્યારે વડાપ્રધાન ગુજરાત કેડરના અધિકારી અસ્થાનાને નવી દિલ્હી લાવ્યા અને તેમને ૨૦૧૬માં સીબીઆઇના સીધા ડાયરેક્ટર બનાવ્યા ત્યારથી આલોક વર્મા અસ્થાના વિરુદ્ધ રૂા.૩ કરોડની લાંચ લેવાનો કેસ મજબૂત કરી રહ્યા હતા. વડાપ્રધાન જો કે અસ્થાનાને બચાવવા આતુર છે. અસ્થાના સંઘ પરિવાર સાથે પણ કનેક્શન ધરાવે છે. લાલુ યાદવને જેલમાં મોકલવામાં તેમણેે મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને ગોધરા ટ્રેન સળગાવવાના કિસ્સાની તપાસ પણ સોંપવામાં આવી હતી. આમ મોદીને અસ્થાનામાં સંપૂર્ણ વિશ્વાસ છે અને ભ્રષ્ટાચારના તમામ આરોપોની અવગણના કરીને તેમને સીબીઆઇમાં લાવવામાં આવ્યા હતા. આ અગાઉ તેમણે ઇશરતજહાં નકલી એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇ તપાસ ડીસમિસ કરી હતી અને આ રીતે મોદીના માણસોને બચાવ્યા હતા. આમ અસ્થાનાએ અનેક વખત મોદી અને તેમના માણસોને બચાવ્યા છે અને તેઓ ઘણા ગંદા રહસ્યો પણ જાણે છે. આથી સ્વાભાવિક છે કે મોદીને ચિંતા છે અને તેથી તેમણે સીબીઆઇના વડાને બોલાવ્યા હતા અને અજીત ડોભાલ સાથે વાત કરવા જણાવ્યું હતું.