(એજન્સી) તા.૧૩
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઈ)એ સોમવારે ધો.૧રનું પરિણામ જાહેર કર્યું હતું. બોર્ડ તરફથી મળેલી જાણકારી મુજબ આ વર્ષે સીબીએસઈ ધો.૧રમાં ૮૮.૭૮ ટકા બાળકો પાસા થયા છે. જયારે દિલ્હી ઝોનનું પરિણામ ૯૪.૩૯ ટકા રહ્યું હતું. આ વર્ષે પણ પરિણામમાં વિદ્યાર્થીનીઓએ બાજી મારી હતી. આ વખતે સીબીએસઈ ધો.૧રની વિદ્યાર્થીઓનું પરિણામ ૯ર.૧પ ટકા છે. નોંધનીય છે કે ગયા વર્ષ કરતા આ વર્ષનું પરિણામ પ.૩૮ ટકા વધુ છે. ગયા વર્ષે કુલ ૮૩.૪૦ ટકા વિદ્યાર્થીઓ પાસ થયા હતા. વિદ્યાર્થીઓ તેમનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.nic.in પર ચકાસી શકાશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે પણ ધો.૧રના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી. જો કે રીઝલ્ટ જાહેર થયાના થોડા સમય પછી જ બોર્ડની વેબસાઈટ ક્રેશ થઈ ગઈ હતી. સીબીએસઈ ધો.૧રના વિદ્યાર્થીઓ ૪૮ કલાકમાં તેમની ડિઝિટલ માર્કશીટ ડાઉનલોડ કરી શકે છે. સીબીએસઈએ Digilocker અને UMANG  એમ જેવા ડિઝિટલ પ્લેટફોર્મ પર પણ ધો.૧રના વિદ્યાર્થીઓની માર્કશીટ અપલોડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે કોવિડ-૧૯ મહામારીના કારણે ધો.૧રના કેટલાક પ્રશ્નપત્રોની પરીક્ષા બાકી રહી જતા સીબીએસઈએ તેની મુલ્યાંકન પ્રવૃતિમાં ફેરફાર કર્યો હતો. જયારે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે ત્યારે સીબીએસઈ આ રદ થયેલી પરીક્ષાઓનું આયોજન કરશે. જે વિદ્યાર્થીઓ તેમના પરિણામ સુધારો લાવવા માગતા હોય તે આ પરીક્ષા આપી શકે છે. જો કે ત્યાર બાદ આ પરીક્ષા દ્વારા તૈયાર થયેલુ પરિણામ જ અંતિમ ગણાશે.