(એજન્સી) નવી દિલ્હી, તા. ૩
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ)એ ૧૦મા ધોરણના ગણિતની પુનઃપરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધો હોવાથી ૧૭ લાખ વિદ્યાર્થીઓને ભારે રાહત થઇ છે. માનવ સંસાધન વિકાસ મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપે આ બાબતને સમર્થન આપ્યું છે. એક ટિ્‌વટમાં સ્વરૂપે જણાવ્યું કે સીબીએસઇના કથિત લીક થયેલા ગણિતના પેપરની અસરના પ્રાથમિક મૂલ્યાંક અને વિદ્યાર્થીઓના હિતોને ધ્યાનમાં રાખીને સીબીએસઇએ દિલ્હી એનસીઆર અને હરિયાણામાં પણ પુનઃપરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધો છે, તેથી હવે ૧૦મા ધોરણની પુનઃપરીક્ષા થશે નહીં. અનિલ સ્વરૂપે જણાવ્યું કે બોર્ડની પરીક્ષાને કારણે પહેલાથી જ વિદ્યાર્થીઓ ભારે દબાણમાં હોય છે, તેથી બોર્ડે દિલ્હી એનસીઆર અને હરિયાણા સહિત દેશના બધા રાજ્યોમાં પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધો છે. અગાઉ, સીબીએસઇના સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૦મા ધોરણના ગણિતના પેપરની આન્સરશીટનું બોર્ડે વિશ્લેષણ અને મૂલ્યાંકન કર્યું હતું અને પેપર લીક થવાને કારણે પરીક્ષા પર કોઇ અસર થઇ હોવાનું બોર્ડને કશું જ જણાયું નથી. સૂત્રોએ એવું પણ જણાવ્યું હતું કે દિલ્હી અને હરિયાણામાં પ્રશ્ન પત્રના જવાબની પેટર્નનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. ૨૮મી માર્ચે ૧૦મા ધોરણના ગણિતના પેપર અને ૧૨મા ધોરણના ઇકોનોમિક્સના પેપર લીક થવાના અહેવાલો બહાર આવ્યાના કલાકોમાં જ સીબીએસઇએ પુનઃપરીક્ષા લેવાની જાહેરાત કરી હતી. પેપર લીક પ્રકરણમાં કોર્ટની દેખરેખ હેઠળ તપાસ કરાવવાની માગણી કરતી અરજીની સુનાવણી કરવા માટે દિલ્હી હાઇકોર્ટ રાજી થઇ ગયાના એક દિવસ બાદ સીબીએસઇએ ૧૦મા ધોરણના ગણિતના પેપરની પુનઃ પરીક્ષા નહીં લેવાનો નિર્ણય લીધો છે. એનજીઓ સોશિયલ જ્યુરિસ્ટ દ્વારા કોર્ટમાં આ અરજી કરવામાં આવી હતી અને અરજી કાર્યકારી ચીફ જસ્ટિસ ગીતા મિત્તલ તેમ જ જસ્ટિસ સી.હરિશંકરની બેંચ સમક્ષ મેન્શન થઇ હતી.