(એજન્સી) કોઝિકોડ, તા. ૩૦
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ ૧૨ની અર્થશાસ્ત્રની પરીક્ષા ૨૫મી એપ્રિલે લેવાશે. જ્યારે ધોરણ ૧૦ની ગણિતની પરીક્ષા જુલાઇમાં લેવાઇ શકે છે. શિક્ષણ સચિવ અનિલ સ્વરૂપે જણાવ્યું હતું કે, જો જરૂર પડશે તો ધોરણ ૧૦મી ગણિતની પરીક્ષા ફક્ત દિલ્હી, એનસીઆર અને હરિયાણા માટે જ યોજાઇ શકે છે. સ્વરૂપે જણાવ્યું હતું કે, અત્યારે તપાસ ચાલી રહી છે અને આગામી ૧૫ દિવસમાં નિર્ણય થઇ જશે કે ગણિતની પરીક્ષા ફરી યોજવી કે નહીં. જો ગણિતની પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવે તો પણ તે ફક્ત દિલ્હી, એનસીઆર અને હરિયાણા પુરતો જ હશે. ઉલ્લેખનીય છે કે, સીબીએસઇ પેપર લીક મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે આક્રોશ છે જેના કારણે સરકાર ભારે દબાણમાં આવી ગઇ છે. શિક્ષણ સચિવે આ દરમિયાન કહ્યું કે, ગણિતની પરીક્ષાનું પેપર જ્યારે આખા દેશમાં લીક થયું ન હોય તો તેની પરીક્ષા પણ સમગ્ર દેશમાં યોજવાની કોઇ જરૂર જણાતી નથી.