(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૧૬
ગુજરાત સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા ગુજરાતી ભાષાને રાજયમાં ફરજિયાત બનાવવાનું ઠરાવ્યું છે હવે આગામી શૈક્ષણિક વર્ષ ર૦૧૮-૧૯થી રાજયની તમામ શાળાઓ પછી ભલે તે ગુજરાત બોર્ડની હોય કે અન્ય કોઈપણ બોર્ડની હોય તેમાં ધોરણ-૧ અને રમાં ગુજરાતી ભાષા ફરજિયાત રીતે ભણાવવાની રહેશે. રાજયના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સરકારના ગુજરાતી ભાષાના પ્રચાર માટેના અગત્યના નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, ગુજરાત રાજયની તમામ શાળાઓમાં ગુજરાત બોર્ડ કે સીબીએસઈ તથા અન્ય કોઈપણ બોર્ડ સહિતની ધોરણ ૧ અને રમાં ગુજરાતી ભાષાને આગામી શૈક્ષણિક બોર્ડથી ફરજિયાત બનાવવામાં આવી છે. આ પછી આગામી દિવસોમાં ધોરણ-૩થી ૮માં પણ ગુજરાતી ભાષા ફરજિયાત કરાવવા અંગેની વિચારણા સરકારમાં ચાલી રહી છે. સરકારના ઉપરોકત નિર્ણયનો અમલ દેશના વિવિધ બોર્ડની સાથે સાથે ઈન્ટરનેનલ બોર્ડ હોય કે અંગ્રેજી માધ્યમની શાળાઓ તમામમાં ફરજિયાત પણે કરવાનો રહેશે તેમ વધુમાં તેમણે ઉમેર્યું હતું. મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે આ પગલુ એક ભાષા તરીકે ગુજરાતીના ગૌરવને વધારવા માટે લેવામાં આવ્યું છે જેથી ગુજરાતીમાં અભ્યાસ કરનાર બાળકો સ્થાનિક ભાષાથી પરિચીત થઈ શકે દેશના મોટા ભાગના રાજયોમાં આ પ્રકારના પગલા લેવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ પગલાંથી રાજયમાં ભાષાની સ્થિતિમાં સુધારો થશે. તેમજ ધોરણ-૧૦ની બોર્ડની પરીક્ષામાં ગુજરાતી ભાષા પસંદ કરનાર વિદ્યાર્થીઓને પણ ફાયદો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ધોરણ-૧૦ની પરીક્ષામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ પૈકી ર૦ ટકા વિદ્યાર્થી ગુજરાતી ભાષામાં નાપાસ થયા હતા.