(એજન્સી) તા.રપ
ભારત સરકારે ગુરૂવારે એક મોટી જાહેરાત કરતા સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં રાખી ધો.૧રની મોકૂફ રાખવામાં આવેલી બધી પરીક્ષાઓ રદ કરવામાં આવી છે. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે જયારે પરિસ્થિતિ સામાન્ય બની જશે. ત્યારે સીબીએસઈ પરીક્ષાઓ યોજી શકે છે. મહેતાએ સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે છેલ્લી ત્રણ પરીક્ષાઓના આધારે ધો.૧રના વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓને ભવિષ્યમાં યોજાનારી પરીક્ષાઓ છોડવાનો પણ વિકલ્પ આપવામાં આવશે. બોર્ડની સત્તાવાર વેબસાઈટ cbse.nic.in પર પરિણામોની જાહેરાત કરવામાં આવશે. સીબીએસઈએ આ પણ જાહેરાત કરી હતી કે, ફેબ્રુઆરીમાં થયેલા રમખાણોના પરિણામે દિલ્હીના કેટલાક ભાગોમાં બાકી રહી ગયેલી ધો.૧૦ની પરીક્ષાઓ રદ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલા મોકૂફ રાખવામાં આવેલી સીબીએસઈ ધો.૧રની પરીક્ષાઓ ૧થી ૧પ જુલાઈ વચ્ચે યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક ન્યૂઝ વેબસાઈટ મુજબ સુપ્રીમકોર્ટની બેંચે પૂછયું હતું કે, શું તમે પરીક્ષામાં હાજર રહેવા અંગે વિદ્યાર્થીઓને વિકલ્પ આપશો ? આ પ્રશ્નના જવાબમાં મહેતાએ કહ્યું હતું કે તેઓ તેમના મૂલ્યાંકનને સ્વીકારી શકે છે. અથવા તો પરીક્ષામાં ભાગ લઈ શકે છે. પરિસ્થિતિ અનુકૂળ બની જશે કે તરત જ પરીક્ષાઓ યોજવામાં આવશે.
સીબીએસઈ વિશે જાણકારી : ભારતનું સર્વોચ્ય શૈક્ષણિક બોર્ડ ગણાતું સીબીએસઈ સમગ્ર ભારત ઉપરાંત વિશ્વના ર૧ દેશોમાં તેનું કાર્યક્ષેત્ર ધરાવે છે. વિદેશમાં લગભગ ૧૪૧ શાળાઓ સીબીએસઈ સાથે સંકળાયેલી છે. ૧૯પરમાં આ શૈક્ષણિક બોર્ડને સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજયુકેશન (સીબીએસઈ) નામ આપવામાં આવ્યું હતું. ૧૯૬રમાં તેનું પુનઃગઠન કરી તેનું કાર્યક્ષેત્ર વધારવામાં આવ્યું હતું.
સીબીએસઈના કાર્યો : સીબીએસઈ શાળા સ્તરે જાહેર પરીક્ષાઓનું આયોજન કરે છે. તે શાળાઓને અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકો સૂચિત કરે છે અને તેના માટે તેની પાસે એક આગવો શૈક્ષણિક વિભાગ છે તેમાં લગભગ બધા વિષયોના નિષ્ણાતો સામેલ છે. આ વિભાગનું મુખ્ય કાર્ય અભ્યાસક્રમ અને પાઠયપુસ્તકો તૈયાર કરવાનો છે. આ ઉપરાંત બોર્ડ તેની સાથે સંકળાયેલી શાળાઓમાં શૈક્ષણિક ગુણવત્તા સુધારવાનું પણ કામ કરે છે.