(એજન્સી) તા.૭
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશને (સીબીએસઇ) શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માટે એક નવી યોજનાની જાહેરાત કરી છે. આ સ્કીમ હેઠળ ધો.૧૦ અને ધો.૧૨ના બોર્ડ માટે શૈક્ષણિક વર્ષને બે ભાગમાં વિભાજિત કરાશે. આ નવી પોલિસીમાં આગામી સત્રમાં બે બોર્ડની પરીક્ષા બે વાર યોજવાનું સૂચન કરવામાં આવ્યું છે. કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઇને સીબીએસઇ દ્વારા આ નવી પોલિસી ઘડવામાં આવી છે. નવી પોલિસી હેઠળ ધો.૧૦ અને ધો.૧૨ માટેની બોર્ડ પરીક્ષા બે વખત યોજાશે. બંને બોર્ડ પરીક્ષા માટેનો અભ્યાસક્રમ તર્કસંગત બનાવાશે અને જુલાઇ. ૨૦૨૧ સુધીમાં શાળાને પાઠવવામાં આવશે. બોર્ડ પરીક્ષાની પેપર પેટર્ન પણ બદલાશે અને પરીક્ષામાં લાંબા પ્રશ્ન જવાબ ઉપરાંત વધુ હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવશે. ઘણા વિદ્યાર્થીઓએ નવી પરીક્ષા નીતિ સાથે પોતાનો અસંતોષ વ્યક્ત કર્યો છે અને જણાવ્યું છે કે એક વર્ષમાં બે વખત પરીક્ષા યોજવી એ ગેરવાજબી છે અને જેના કારણે વિદ્યાર્થીઓ પર બિનજરૂરી દબાણ આવશે જે તેમના પરિણામોને પ્રભાવિત કરી શકે છે.

સીબીએસઇ બોર્ડ એક્ઝામ-૨૦૨૨ ક્યારે યોજાશે ?

૨૦૨૧-૨૨ માટેની બોર્ડ પરીક્ષા માટે સીબીએસઇ દ્વારા હજુ વિષયવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી. પરંતુ સીબીએસઇ દ્વારા જાહેર કરવામાં આવેલ નોટિસ અનુસાર પ્રથમ સત્ર માટે પરીક્ષા નવે.-ડિસે. ૨૦૨૧માં અને બીજા સત્ર માટેની પરીક્ષા માર્ચ-એપ્રિલ, ૨૦૨૨માંં યોજાશે અને દેશ તેમજ વિદેશમાં તમામ સ્કૂલો માટે ૪થી ૮ સપ્તાહનો વિન્ડો પિરિયડ રાખવામાં આવશે. પ્રત્યેક પરીક્ષામાં માત્ર ૫૦ ટકા અભ્યાસક્રમની પરીક્ષા લેવામાં આવશે. બંને પરીક્ષા માટેનો અભ્યાસક્રમ ટૂંક સમયમાં સીબીએસઇને પાઠવવામાં આવશે.

સીબીએસઇ બોર્ડ પરીક્ષા ૨૦૨૨ : પેપર પેટર્ન

સીબીએસઇના ડાયરેક્ટર (એકેડેમિક) જોસેફ ઇમાનુએલે જણાવ્યું છે કે આ પરીક્ષામાં કેસ આધારીત એમસીક્યુ સહિત મલ્ટીપલ ચોઇસ ક્વેશ્ચન્સ (એમસીક્યુ) રહેશે અને રીઝનિંગ ટાઇપ પર આધારીત પણ એમસીક્યુ પૂછવામાં આવશે. પરીક્ષાનો સમય ૯૦ મિનિટનો હશે અને તેમાં પ્રથમ ટર્મનો તર્કસંગત સીલેબસ આવરી લેવાશે. આ પરીક્ષા બોર્ડ દ્વારા નિર્ધારીત પરીક્ષા કેન્દ્ર ખાતે માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની આસપાસ યોજાશે.