(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
પૂર્વ એચઆરડી મંત્રી કપિલ સિબ્બલે સીબીએસઈ પેપરલીક બાબત મોદી સરકારની તીખી આલોચના કરી. એમણે કહ્યું કે જો આ બનાવ યુપીએ શાસનમાં બન્યો હોત તો હાલમાં દેખાય છે એનાથી ખૂબ જ વધુ રોષ ફાટી નીકળ્યું હોત.
આશ્ચર્યની વાત છે કે કોઈ આ બાબત જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. જો અમારા શાસનમાં આવું બન્યું હોત તો શું થાય એ તમે કલ્પી શકો છો. જે સરકાર પ્રશ્નપત્રનું રક્ષણ કરી શકતી નથી. એમણે દેશના રક્ષણનો દાવો કરવાનો કોઈ અધિકાર નથી. સિબ્બલે કહ્યું કે શિક્ષણમાં ભ્રષ્ટાચાર ફેલાયેલ છે પણ સરકાર એ બાબત ધ્યાન જ આપતી નથી. શિક્ષણ માફિયાઓના હાથમાં આવી ગયું છે અને સરકાર માફિયાને રક્ષણ આપી રહી છે.
જ્યારે દેશ અંધકારમાં ડૂબી ગયો છે ત્યારે ચોકીદાર શાંતિથી ઊંઘી રહ્યા છે. પેપરલીક બાબત સરકારની નિષ્ક્રિયતા દર્શાવતા એમણે કહ્યું કે દેશમાં શિક્ષણ અતિ મોંઘું થઈ રહ્યું છે. સરકારે હજુ સુધી શિક્ષણ જગતમાં ઘૂસેફ માફિયા સામે કોઈ પગલાં લીધા નથી. એમણે વ્યાપમ કૌભાંડના માફિયાઓને પણ બચાવ્યું હતું. એવું જણાય છે કે એ પણ એમાં સામેલ છે. સીબીએસઈનું જ પેપરલીક નથી થયું એ પહેલાં એસએસસી કૌભાંડ પણ બહાર આવ્યું હતું. જો આ બધા માટે સરકાર જવાબદારી નહીં સ્વીકારશે તો કોણ સ્વીકારશે. ? સિબ્બલે શિક્ષણ માટે વધી રહેલ ખર્ચ બાબત પણ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. હાલમાં જ ઉત્તરાખંડ મેડિકલ કોલેજે ફીસ ૬ લાખથી વધારી ર૩ લાખ રૂપિયા કરી છે. એમણે આ માટે અન્ય યુનિવર્સિટીઓનો દાખલો આપ્યો. આપણા દેશમાં લોકો આટલું કમાતા નથી કે લાખો રૂપિયા શિક્ષણ માટે ખર્ચ કરે. ઘણા બધા દેશોમાં મફત શિક્ષણ અપાય છે. સરકાર વિદ્યાર્થીઓ અને વાલીઓને મોટા મોટા સપનાઓ બતાવે છે જે ક્યારેય પૂરા થવાના નથી. વધુમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા પતી ગયા પછી વેકેશનના કાર્યક્રમો બનાવતા હશે એમને ફરીથી પરીક્ષાઓની તૈયારી કરવી પડશે અને એ પણ નક્કી નથી કે પરીક્ષાઓ ક્યારે લેવાશે.