નવી દિલ્હી,તા.૧૫
કોરોના કાળમાં આખરે લાંબી રાહ જોયા બાદ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઇ) એ ૧૦માં ધોરણનું પરિણામ જાહેર કર્યું છે. આ વર્ષે ૯૧.૪૬% વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેમાં ૯૩.૩૧% વિદ્યાર્થીનીઓ અને ૯૦.૧૪% વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્રિવેન્દ્રમ, ચેન્નાઈ અને બેંગાલુરુ ત્રણ ટોચના પ્રદેશો છે. જેમના વિદ્યાર્થીઓએ આ વર્ષે સારો દેખાવ કર્યો છે. કોરોના વાયરસના પગલે આ વર્ષે બાકી રહેલી તમામ પરીક્ષાઓને રદ્દ કરવામાં આવી છે. આવી સ્થિતિમાં, વૈકલ્પિક મૂલ્યાંકન પ્રણાલીનું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓને આંતરિક આકારણીના માપદંડના આધારે નંબરો આપવામાં આવ્યા છે. આ વર્ષે કોરોના વાયરસને કારણે ધોરણ ૧૦નું પરિણામ મોડુ જાહેર કરવામાં આવ્યું છે. ગયા વર્ષે ૧૦નું પરિણામ ૬ મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. સીબીએસઇ ૧૦માં, ૯૧.૧% વિદ્યાર્થીઓ પાસ થયા હતા, જે ૨૦૧૮ની તુલનામાં ૫% વધારે છે. ત્યારે પણ ત્રિવેન્દ્રમ (૯૯.૮૫%) પહેલો, બિજા નંબર પર ચેન્નાઈ (૯૯%)ના વિદ્યાર્થી હતા. આ સાથે ૧૩ વિદ્યાર્થીઓએ ૪૯૯/૫૦૦ ગુણ મેળવ્યા, જ્યારે ૨૪ વિદ્યાર્થીઓએ ૪૯૮/૫૦૦ ગુણ મેળવ્યા હતા.