અમદાવાદ, તા.૩૦
કેન્દ્રિય માધ્યમિક શિક્ષા બોર્ડ સીબીએસઈએ ૧૨મા ધોરણની ઇકોનોમિક્સની રિ-ટેસ્ટની જાહેરાત કરી દીધી છે. આ પરીક્ષા ૨૫ એપ્રિલે ફરીથી લેવામાં આવશે. એચઆરડી મંત્રાલયના સચિવ અનિલ સ્વરૂપે આ વાતની જાહેરાત કરી છે. જોકે ૧૦માની ગણિતની પરીક્ષાની રિ-ટેસ્ટ વિશે હજી સ્થિતિ સ્પષ્ટ નથી થઈ. અનિલ સ્વરૂપે જણાવ્યું છે કે હજી તપાસ ચાલી રહી છે અને ૧૫ દિવસની અંદર ગણિતની રિ-ટેસ્ટ વિશે નિર્ણય લેવાશે. જો રિ-ટેસ્ટ લેવાની જરૂર પડશે તો માત્ર દિલ્હી અને હરિયાણામાં રિ-ટેસ્ટ લેવામાં આવશે. આમ, ગુજરાતના ૧૦મા ધોરણના વિદ્યાર્થીઓને જો રિ-ટેસ્ટ લેવાશે તો પણ ફરીથી ગણિતની પરીક્ષા નહીં આપવી પડે. સીબીએસઈના વિદ્યાર્થીઓ માટે તાજેતરમાં મોટા સમાચાર આવ્યાં હતા કે પેપર લિકના કારણે ધોરણ ૧૦નું ગણિત અને ૧૨મા ધોરણની ઈકોનોમિક્સની પરીક્ષા ફરીથી લેવાશે. આ વર્ષે સીબીએસઈ બોર્ડ પરીક્ષાના પેપર લીક થયા હોવાની ચર્ચાઓ હતી. પોલીસ કેટલાક કેસોમાં તપાસ પણ કરી રહી છે. બોર્ડે આ પગલું પરીક્ષાને લઈને આવેલી ફરિયાદોે પર કાર્યવાહી કરતા લીધું છે. સીબીએસઈનું ૧૦માંનું ગણિત અને ૧૨માંનું અર્થશાસ્ત્રનું પેપર લીક મામલે તપાસમાં લાગેલી દિલ્હી પોલીસે આ મામલામાં બે એફઆરઆઈ દાખલ કરી છે. દિલ્હી પોલીસના ખાસ સીપી આરપી ઉપાધ્યાયે મીડિયાને કેસના અપડેટ્‌સ આપતા કહ્યું, આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં ૨૫ લોકોની પૂછપરછ કરવામાં આવી છે.