અમદાવાદ, તા.૧૪
કોરોના વાયરસની ઈફેક્ટ હવે વિદેશની જેમ અમદાવાદ સહિત ગુજરાતના શિક્ષણ પર પણ વર્તાવાનું શરૂ થઇ ગયું છે. ખાસ કરીને કોરોના ઇફેકટને લઇ અમદાવાદની સ્કૂલો અને શિક્ષણજગતમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને મહત્ત્વના નિર્ણય લેવાની ફરજ પડી છે જેમાં આગામી દિવસોમાં શહેરની સીબીએસઈ સ્કૂલોમાં શરૂ થનારા નવા શૈક્ષણિક સત્રને હાલ પૂરતું સ્થગિત રાખવાનો અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની અનેક સીબીએસઈ સ્કૂલમાં માર્ચ મહિનાથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવાનો હતો. પરંતુ આ સ્કૂલોએ હાલ પૂરતું નવું સત્ર શરૂ નહીં કરવાનું નક્કી કર્યું છે. આમ, માર્ચ દરમિયાન શહેરની અનેક સીબીએસઈ સ્કૂલ બંધ રહેશે. એપ્રિલમાં સ્કૂલ ક્યારથી શરૂ કરવી તે અંગે જે તે વખતની સ્થિતિ અને સરકારના માર્ગદર્શન બાદ નિર્ણય લેવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. જ્યારે જીએસઇબીની સ્કૂલ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવાય તેવી શક્યતા છે.
કોરોના ઇફેકટના કારણે અમદાવાદ શહેરની સીબીએસઈ બોર્ડ સંલગ્ન કેટલીક સ્કૂલે માર્ચમાં શરૂ થતાં નવા શૈક્ષણિક વર્ષને હાલ પૂરતું સ્થગિત કરી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે. શહેરની અમુક સ્કૂલમાં તા.૧૬ માર્ચથી નવા સત્રનો પ્રારંભ થવાનો હતો. જ્યારે ઘણી સ્કૂલમાં તા.૨૬ માર્ચ આસપાસ શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થવાનો હતો. જો કે, હવે માર્ચ અંત સુધી આ સ્કૂલોએ નવું સત્ર શરૂ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે.