(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
નાગરિકતા કાયદાની વિરૂદ્ધ સીલમપુરમાં મંગળવારે ભડકી ઉઠેલી હિંસા દરમિયાન એક વિકલાંગ દુકાનદારની દુકાન પણ તોડી પાડવામાં આવી. દુકાનદાર અનિસ મલિકે ફરિયાદ કરી છે કે, પોલીસે તેની દુકાનમાં તોડફોડ કરી છે. પોલીસે તેને દુકાન બંધ કરીને જવાનું કહ્યું અને તે શટર પાડીને નીકળી ગયો તેની દુકાનની અંદર બે કામદારો પણ હતા પરંતુ ત્યારબાદ પોલીસ ઘસી આવી અને દુકાનમાં તોડફોડ કરવા લાગી તેમજ બન્ને કામદારો સાથે મારઝૂડ પણ કરવા લાગી. અનિસ મલિકે આ ફરિયાદ સીસીટીવી ફૂટેજની સાથે દાખલ કરાવી છે. અનિસ મલિકે જણાવ્યું કે ર વાગ્યા સુધી હું ખુદ દુકાનમાં હાજર હતો અને પ્રદર્શન પણ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું હતું. ત્યારબાદ અચાનક નાસભાગ મચી ગઈ અને પોલીસે તમામ પ્રદર્શનકારીઓને વિખેરી નાંખ્યા. ઘટનાસ્થળે પોલીસ જ પોલીસ હતી. ત્યારબાદ પોલીસકર્મીઓએ કહ્યું કે, તમે ખુદ વિકલાંગ છો, જાતે હરીફરી શકતા નથી તેથી તમે દુકાન બંધ કરીને ઘરે ચાલ્યા જાવ કારણ કે, ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ત્યારબાદ હું શટર પાડીને ઘરે ચાલ્યો ગયો અને ચાર વાગ્યે મને ફોન આવ્યો કે પોલીસે મારી દુકાન તોડી પાડી છે. ત્યારબાદ મને વીડિયો મોકલવામાં આવ્યો જેમાં પોલીસકર્મીઓ મારી દુકાન તોડતા નજરે પડી રહ્યા હતા. તેમણે મારું કોમ્પ્યુટર, ડેસ્કટોપ, પ્રિન્ટર બધુ જ તોડી નાંખ્યું. મેં સાંજે ૧૧ર નંબર પર કોલ કર્યો અને પોતાની ફરિયાદ દાખલ કરાવી. ઉલ્લેખનીય છે કે, દિલ્હીના જામિયા અને સીલમપુર વિસ્તારોમાં હિંસા બાદ પોલીસની સોશિયલ મીડિયા પર ચાંપતી નજર છે. પોલીસે સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવા અંગે ચેતવણી આપી છે. સાથે જ પોલીસ તોફાની તત્ત્વોની ઓળખ માટે દરેક પ્રકારના સીસીટીવી ફૂટેજને અને સોશિયલ મીડિયા પર ફરતી તસવીરોને ચેક કરી રહી છે.