અમદાવાદ, તા.૨
વિરમગામ તાલુકાના છેવાડે આવેલા સુરજગઢ-થુલેટા સહિતના ગામોની સીમમાં કેનાલ ઓવરફ્‌લો થતાં સીમમાં રહેલા ઊભા પાકમાં પાણી ફરી વળતાં ખેડૂતોને પાકોનું ગંભીર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. છેલ્લા બે દિવસથી ખેડૂતોના સેંકડો વીઘા જમીન અને ખેતરોમાં હજુ પણ પાણી ફરી વળેલા જોવા મળી રહ્યા છે. સ્થાનિક તંત્રની ગંભીર ચૂકના કારણે નિર્દોષ ખેડૂતોને ભોગ બનવાનો વારો આવ્યો છે. આશરે બે હજાર વીઘાથી વધુ જમીનમાં ખેડૂતોના ઘઉં, જીરું સહિત રવિ પાકોને ભારે નુકસાન થયુ છે. સુરજગઢ- થુલેટા વિસ્તારના પાકો નિષ્ફળ જવાથી ખેડૂતો પાયમાલ થઇ જવાની દહેશત બની છે. હજુ પણ ખેતરોમાં પાણી ભરાયેલા છે ત્યારે ખેડૂતો હાલ ચિંતિત છે. તેમજ વિરમગામના ધારાસભ્ય લાખાભાઈ ભરવાડે કહ્યું કે, વાસણા ગામ પાસેની કેનાલના પાણીથી ૨૦૦૦ વીઘા ખેતીને ભારે નુકસાન થયું છે. બીજીબાજુ, સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ અમદાવાદ જિલ્લા કલેકટરે સંબંધિત સત્તાવાળાઓ પાસેથી આ મુદ્દે તપાસ અહેવાલ માંગ્યો છે. તપાસમાં જે કોઇની બેદરકારી કે ચૂક આવશે તેની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવાની ચીમકી પણ કલેકટરે ઉચ્ચારી હતી. વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડે સુરજગઢ- થુલેટા, ધોડા સહિતના ગામોના ખેતરોની મુલાકાત લીધી હતી. વાસણા ગામ પાસેની કેનાલના પાણીથી ૨૦૦૦ વીઘા ખેતીને ભારે નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. વધુમાં સરકાર અને નર્મદા સિંચાઇ તંત્રની બેદરકારીના કારણે મારા મત વિસ્તારના સુરજગઢ- થુલેટા, ધોડા સહિતના ગામોની હજારો વીઘા જમીનમાં કેનાલો ઓવરફ્‌લોના પાણી ફરી વળ્યા છે. તંત્રના વાંકે નિર્દોષ ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે., જે બહુ ગંભીર બાબત કહી શકાય.