(એજન્સી) નવી દિલ્હી, તા.૧પ
એમેઝોનડોટકોમના વડા જૈફ બેજોસે આજે ભારતમાં ૭૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી. ભારતમાં નાના અને મધ્યમ બિઝનેસ ઓનલાઈન કરવા માટે મદદરૂપ થવાની તેમની ઇચ્છા રહેલી છે. ૨૦૨૫ સુધી ભારતમાં બનાવવામાં આવેલી ચીજવસ્તુઓના ૧૦ અબજ ડોલરના કિંમતના નિકાસની પણ તૈયારી પણ દર્શાવવામાં આવી છે. આ પહેલા ઓનલાઈન રિટેલની મહાકાય કંપનીએ ભારતમાં મૂડી રોકાણમાં ૫.૫ અબજ ડોલરની વાત કરી હતી. અમેરિકાની બહાર એમેઝોનના સૌથી મોટા બજાર તરીકે ભારતને ગણવામાં આવે છે. સાથે સાથે ચાવીરૂપ ગ્રોથ ડ્રાઇવર તરીકે પણ છે. તેમણે કહ્યું છે કે, ભારતના લાંબા ગાળાના પાર્ટનર તરીકે તેઓ જુએ છે. જૈફ બેજોસે કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષના ગાળા દરમિયાન એમેઝોન નાના અને મધ્યમ કારોબારને ધ્યાનમાં રાખીને એક અબજ ડોલરનું રોકાણ કરશે. આનાથી પહેલા કરતા પણ ખૂબ વધારે કસ્ટમરો સુધી પહોંચવામાં મદદ મળશે. આ હિલચાલથી અમેઝોનના વૈશ્વિક ફૂટપ્રિન્ટનો ઉપયોગ કરવામાં મદદ મળશે. ૨૦૨૫ સુધી ભારતમાં નિકાસના આંકડાને ૧૦ અબજ ડોલર સુધી વધારવામાં આવશે. જૈફ બેજોસના કહેવા મુજબ આવનાર દિવસોમાં ભારત વધુ મોટા કારોબાર તરીકે ઉભરશે. બેજોસ હાલમાં ત્રણ દિવસની ભારત યાત્રા ઉપર છે. મંગળવારના દિવસે તેઓએ રાજઘાટ ખાતે મહાત્મા ગાંધી મેમોરિયલની મુલાકાત લઇને ભારત યાત્રાની શરૂઆત કરી હતી. ત્યારબાદ નાના અને મધ્યમ કારોબારીઓ માટે આયોજિત એક સમિટમાં ભાગ લઇને સંબોધન કર્યું હતું. અમેઝોનના સ્થાપકે કહ્યું હતું કે, ૨૧મી સદી ભારતની સદી રહેશે. ભારત અન્ય કરતા અલગ દેશ તરીકે છે.
૨૧મી સદીમાં સૌથી મહત્ત્વપૂર્ણ સાથી તરીકે રહેશે. બેજોસે આશા વ્યક્ત કરી હતી કે, તેમની યાત્રા દરમિયાન તેઓ તમામને મળવા ઇચ્છુક છે. ગયા વર્ષે સરકારે વિદેશી રોકાણ સાથે ઇ-કોમર્સ માર્કેટ સ્થળો માટે નિયમોને કઠોર કર્યા હતા. બેજોસ સરકારી અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન આ મુદ્દાને ઉઠાવે તેવી શક્યતા છે. જંગી નુકસાન થયું હોવા છતાં એમેઝોન માર્કેટ પ્લેસ, પેમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટમાં જંગી નાણા ઠાલવવામાં વ્યસ્ત છે. ગયા મહિને ડિસેમ્બર મહિનામાં એમેઝોને પેમેન્ટ અને હોલસેલ બિઝનેસ યુનિટમાં ૧૭૦૦ કરોડ કરૂપિયાનું જંગી રોકાણ કર્યું હતું. ઓક્ટોબર મહિનામાં ભારતમાં જુદા જુદા યુનિટમાં ૪૪૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરાયું હતું. ત્યારબાદથી અમેઝોને વધુ ૩.૫ અબજ ડોલરનું ભારતમાં રોકાણ કરવાની જાહેરાત કરી છે. આજે એમેઝોન ઇન્ડિયા માર્કેટ પ્લેસમાં તેમના ૫૫૦૦૦૦ સેલર છે. મેક ઇન ઇન્ડિયામાં પણ તેમની ભૂમિકા રહેલી છેે.