(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૨૫
શિસ્તબદ્ધ પાર્ટીની મોટી વાતો કરતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ-સભ્યોના એક પછી એક કારનામા પ્રજા સમક્ષ બહાર આવતા ભાજપનો આ દાવો ખોટો પૂરવાર થતો હોય તેમ જણાય છે. જાહેર જીવનમાં થતાં અણબનાવને મોટું સ્વરૂપ આપી માનવીની હત્યા કરી દેવાનો ઘૃણાસ્પદ બનાવ એ ભલે રાજકીય આલમમાં કોઈ ખાસ ઘટના કે નવાઈની વાત ન ગણાય, પરંતુ સામાન્ય જન માટે તો બહુ મોટી ઘટના કહેવાય છે. ભાજપના જયંતી ભાનુશાળીની હત્યાના બનાવમાં ભાજપના જ અન્ય સભ્ય છબીલ પટેલનું નામ બહાર આવતા વિપક્ષ કોંગ્રેસ કોઈ હોબાળો કરે તે પહેલાં જ આજે ભાજપે તેમને સસ્પેન્ડ કરી દીધા હતા.
અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીના નામનો એસઆઇટીએ ખુલાસો કર્યો છે. છબીલ પટેલ અને મનીષા ગોસ્વામીએ જયંતી ભાનુશાળીને મારવાનો પ્લાન બનાવ્યો હતો અને આ માટે પૂણેથી શાર્પશૂટર બોલાવવામાં આવ્યા હતા. શાર્પશૂટર્સ છબીલ પટેલનાં ફાર્મહાઉસમાં રોકાયા હતા. એસઆઇટીએ આ મામલે નીતિન પટેલ અને રાહુલ પટેલની પણ ધરપકડ કરી છે. ભચાઉ કૉર્ટે નીતિન અને રાહુલ પટેલનાં ૧ ફ્રેબ્રુઆરી સુધીનાં રીમાન્ડ મંજૂર કર્યા છે. તો હવે આ મામલે ભાજપ પણ એક્શનમાં આવી છે. આ બધી ઘટવાનો ક્રમ સામે આવતા ભાજપે છબીલ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. છબીલ પટેલને ભાજપનાં પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભાજપનાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ છબીલ પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરવાના આદેશો આજે જારી કર્યા હતા. ભાનુશાળી હત્યા કેસમાં છબીલ પટેલનું નામ આવતા આ પગલા લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે જયંતિ ભાનુશાળી અને મનીષા વચ્ચે અણબનાવ હતો. જયંતિ ભાનુશાળીની સેક્સ સીડીઓ લીક કરવાને લઇને તેમને મનીષા અને તેના સાગરીતો દ્વારા બ્લેકમેલ કરવામાં આવતા હતા તો બીજી તરફ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે પણ અણબનાવ હતો. મનીષા અને છબીલ પટેલે સાથે મળીને જયંતિ ભાનુશાળીને પતાવવાનો પ્લાન ઘડ્યો હતો. ત્યારે હવે આ આખી ઘટનામાં છબિલ પટેલનું નામ સામે આવતા પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી દ્વારા છબિલ પટેલને ભાજપનાં પ્રાથમિક સભ્યપદેથી હટાવાયાની જાહેરાત કરવામાં આવી છે.