(સવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૩
ચકચારી જયંતિ ભાનુશાળી કેસમાં મુખ્ય સુત્રધાર પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને સીઆઇડી ક્રાઇમે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી ઝડપી પાડ્યો છે. જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે દુશ્મનાવટ વધતા છબીલ સામે દિલ્હીમાં થયેલા કેસમાં તેને વધુ ખર્ચો થયો હતો. તેમજ તેને લાગતું હતું કે હવે જેલમાં જવું પડશે. તેવી ભીતિમાં તેણે ભાનુશાળીની હત્યાનું કાવતરૂં ઘડ્યું હોવાનું છબીલે સીટની સમક્ષ કબુલ્યું છે.
સીઆઇડી ક્રાઇમના ડીજીપી આશિષ ભાટિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે જયંતિ ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી છબીલ પટેલને અમે ગઇ કાલે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટથી પકડી પાડ્યો છે. આરોપી છબીલની પ્રાથમિક પુછપરછમાં બહાર આવ્યું છે કે તે ન્યુયોર્કથી એમિરાતની ફલાઇટમાં બેસીને દુબઇ ગયો હતો ત્યાંથી ફલાઇટ બદલીને તે અમદાવાદ એરપોર્ટે રાત્રે ત્રણ વાગ્યે આવ્યો હતો. ત્યારે અમારી સીટની ટીમ તેની વોચમાં જ બેઠી હતી તેણે ઇમીગ્રેશન વખતે જ તેને દબોચી લીધો હતો. તેની પાસેથી ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ અને કપડા સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાથમિક પુછપરછમાં તેણે ભાનુશાળીની હત્યા કરાવી હોવાનું કબુલ્યું છે. છબીલ પટેલ તા.૨ જાન્યુઆરીએ મસ્કતમાં જઇને સંતાઇ ગયો હતો. ત્યારબાદ તા.૧૦મી એ અમેરિકાના ન્યુજર્સીમાં તેની દિકરીના ઘરે જઇને રહેતો હતો. થોડો સમય દીકરીથી અલગ પણ રહેવા ગયો હતો. તેમજ ત્યાંથી તેના દીકરા સિદ્ધાર્થ અને મનિષા ગોસ્વામી સાથે વોટ્‌સએપ કોલિંગથી સંપર્કમાં રહેતો હતો. ત્યારે સીટની ટીમે છબીલની મિલ્કતો શોધીને તેને સીલ કરવાની કાર્યવાહી કરી તેમજ તેના દીકરા સિદ્ધાર્થ અને વેવાઇની ધરપકડ કરી એટલે તેના પર દબાણ વધ્યું ત્યારે તેણે પરત આવવાનું નક્કી કર્યું. હવે આરોપી છબીલને ભૂજની કોર્ટમાં રજૂ કરીને તેના રિમાન્ડ મેળવી વધુ પુછપરછ કરીશું. જોકે આ કેસમાં મનિષા પટેલ સહિત હજુ ત્રણ આરોપી વોન્ટેડ છે. તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે એમ સીઆઇડીના વડાએ જણાવ્યું હતું.

હત્યાનું કાવતરૂં ઘડવા છબીલ
મનિષાને મળવા જેલમાં ગયો હતો

છબીલ અને ભાનુશાળી વચ્ચે છેલ્લા ઘણા સમયથી દુશ્મનાવટ હતી ત્યારે ભાનુશાળી સામે સુરતમાં થયેલા કેસમાં સમાધાન થયું હતું. ત્યારે મનિષા ગોસ્વામી અને સુરજીત ભાઉ પણ હાજર હતા. ત્યારબાદ છબીલ પર દિલ્હીમાં કેસ થયો હતો. ત્યારે ભાનુશાળીનો કાંટો કાઢવા માટે છબીલે કાવતરૂં ઘડ્યું હતું. તેના અંતર્ગત તે મનિષા ગોસ્વામીને મળવા માટે જેલમાં પણ ગયો હતો. એટલે હત્યાના કાવત્રરામાં મનિષાનો પણ રોલ છે.

છબીલ પટેલ પોલીસ સમક્ષ હાજર થયાની ચર્ચા

સીઆઈડી ક્રાઈમે જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય સૂત્રધાર એવા આરોપી છબીલ પટેલને અમદાવાદ એરપોર્ટથી અડધી રાત્રે પકડયો હોવાનો દાવો કર્યો છે. પરંતુ ખરેખરમાં આટલા મોટા ચકચારી કેસનો આરોપી છબીલ પટેલ ભાગીને વિદેશમાં સંતાઈ ગયો હતો. ત્યારે જો તે પોલીસ પકડથી બચવા માગતો હોય તો પરત ભારત આવે જ નહીં પરંતુ જે રીતે આરોપી છબીલનો પુત્ર સીઆઈડી ક્રાઈમ સમક્ષ હાજર થયો અને ત્યારબાદ છબીલ પટેલ ફલાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતરે અને પોલીસ તેને પકડી લે તે પોલીસની થિયરી સામે સવાલો ઉઠી રહ્યા છે. એટલે છબીલ પટેલ પોલીસ સમક્ષ હાજર થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ પોલીસ પોતાનો કોલર ઉંચો રાખવા આરોપી છબીલને અમે પકડયો તેવો દાવો કરે છે. તેની પાછળ કંઈક રંધાઈ રહ્યાની ચર્ચાઓ વહેતી થઈ છે.

મીડિયા સામે વટાણા વેરી દે તેવી ભીતિમાં
છબીલને મીડિયાના કેમેરાથી થોડે દૂર રખાયો

છબીલ પટેલને પકડવાના મામલે સીઆઇડી ક્રાઇમ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી જેમાં છબીલ પટેલનેે મીડીયાના કેમેરા સામે લાવવામાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ખચકાતા હતા.ત્યારબાદ નક્કી કર્યું કે મીડિયા સામે આરોપી છબીલ પટેલને ઉભો રાખવાના બદલે તેને એક બાજુથી બીજી બાજુ લઇ જવાના સમયે મીડિયાને કવરેજ કરી લેવાનું કહેવાયું.એટલે કે આરોપી છબીલ સીઆઇડી ક્રાઇમે રજુ કરેલી સ્ક્રીપ્ટથી બહાર કંઇક કહી દે અને પોલીસની થિયરી ઉપર સવાલ ઉઠે તો ?? તેવો સવાલ પોલીસને સતાવી રહયો હતો કે કેમ ? ત્યારે એક અધિકારી તો મીડિયાકર્મીઓને રીતસરની આજીજી કરતા કહ્યું હતું કે તમે લોકો કોઇ સવાલ ના કરો તો જ છબીલને તમારી સમક્ષ ફોટો પાડવા માટે લાવીએ. એટલે ઉચ્ચ પોલીસ અધિકારીઓને પણ ડર હતો કે છબીલ કયાંક મીડિયા સામે વટાણાં વેરી દે તો ??

પવન મોરેની હત્યા
કરવા માટે જ રેકી
કરાયાની આશંકા

જયંતિ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં થયેલી હત્યા કેસમાં એક સાક્ષી એવા પવન મોરેની રેકી કરવાના કેસ અંગે સીઆઇડી ક્રાઇમે જણાવેલું કે પવન મોરેની રેકી કેસમાં છબીલ પટેલના રોલ અંગે હજુ પુછપરછ બાકી છે . પરંતુ પ્રાથમિક રીતે તો તેની હત્યા માટે તેની રેકી કરાવવામાં આવી હોવાનું લાગે છે.

પિતાને વિદેશ જવા અને
ભારત આવવા માટે પુત્ર સિદ્ધાર્થે ટિકિટ કઢાવી હતી

છબીલના પુત્ર સિદ્ધાર્થે તેના પિતાને વિદેશ જવા માટે ટિકિટ કઢાવી હતી. પોલીસ પકડથી બચવા જ્યારે સિદ્ધાર્થ ગોવામાં સંતાતો ફરતો હતો ત્યારે તેણે પિતા માટે ટિકિટ કઢાવી હતી. જો કે છબીલ પટેલની ભારત પરત આવવાની ટિકિટ પણ સિદ્ધાર્થ પટેલે જ કઢાવી હતી.