નવી દિલ્હી, તા.૨૯
ભારતીય ઑલરાઉન્ડર યુવરાજ સિંહ માટે આઇપીએલની હાલની સીઝન અત્યાર સુધી સારી રહી. યુવરાજ સિંહે પહેલી મેચમાં જ્યાં જબરદસ્ત અડધી સદી ફટકારી, તો બીજી મેચમાં પોતાની વિસ્ફોટક બેટિંગથી ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું. આ મેચમાં યુવરાજ સિંહે યુઝવેન્દ્ર ચહલની એક ઑવરમાં સતત ૩ છગ્ગા લગાવ્યા હતા. મુંબઈની સામે બેંગોલરની ઇનિંગની ૧૪મી અને પોતાની ત્રીજી ઑવર લઇને આવેલા ચહલનાં શ્વાસ ત્યારે થંભી ગયા જ્યારે યુવરાજે તેના પહેલા ૩ બૉલમાં ૩ છગ્ગા લગાવ્યા.
યુવરાજ સિંહે ૧૨ બૉલમાં ૨૩ રન ફટકાર્યા હતા અને પોતાના ફૉર્મને જાળવી રાખ્યું. યુવરાજનાં પ્રહારનો શિકાર બનેલા ચહલે જણાવ્યું કે, “યુવરાજ જ્યારે મારી ઑવરમાં છગ્ગા ફટકારી રહ્યા હતા ત્યારે હું સ્ટુઅર્ટ બ્રૉડ જેવું અનુભવતો હતો.” ચહલે યુવરાજ દ્વારા બ્રૉડની એક ઑવરમાં ૬ છગ્ગા ફટકારવા તરફ ઇશારો કરતા કહ્યું કે, “હું તેમની સામે સ્ટુઅર્ટ બ્રૉડ જેવું અનુભવી રહ્યો હતો.”
યુવરાજે ચહલની ઑવરનાં પહેલા બૉલ પર ડીપ સ્કવેયર લેગ બાઉન્ડ્રી તરફ છગ્ગો ફટકાર્યો. તો બીજા બૉલને ચહલનાં માથા પરથી બાઉન્ડ્રી બહાર ફેંક્યો. ત્રીજો છગ્ગો લાંબો અને જોરદાર હતો. લૉન્ગ ઑન પર ફટકારવામાં આવેલા આ છગ્ગાને જેટલીવાર જુઓ એટલું ઓછું. જો કે ચોથો છગ્ગો લગાવવાનાં પ્રયાસમાં યુવરાજ સિંહ મોહમ્મદ સિરાજનાં હાથે કેચ આઉટ થયો હતો.