(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૧ર
તાજેતરમાં મગફળીના ગોડાઉનોમાં લાગેલી આગ સંદર્ભે સરકાર, ગોડાઉન માલિકો અને વેર હાઉસીંગ કોર્પોરેશન એકબીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે ત્યારે ગુજકોમાસોલના ચેરમેન અને ભાજપના પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણીએ મગફળીની આગની ઘટના અંગે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવી તપાસ કામગીરી બાબતે સવાલ ઉઠાવ્યા છે. જ્યારે નેશનલ એગ્રીકલ્ચર કો.ઓ. માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)ના ચેરમેને પણ મગફળીના ગોડાઉનોમાં આગ કૌભાંડ છુપાવવા માટે લગાડાઈ હોવાનો આક્ષેપ કર્યો છે. ભાજપના પૂર્વ કૃષિમંત્રી અને ભાજપના નેતા દિલીપ સંઘાણીએ ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, મગફળીની ખરીદી અને ત્યારબાદની બનેલી ઘટનામાં નાફેડની કોઈ જવાબદારી નથી. ગોડાઉનનું ભાડું વેરહાઉસીંગ કોર્પોરેશન લે છે તેથી ગોડાઉનની યોગ્યતાની ચકાસણી, હાલની જાળવણીની જવાબદારી વેરહાઉસીંગ કોર્પોરેશનની છે. મગફળીમાં ધૂળની ભેળસેળ થાય, આગ લાગે કે અન્ય કોઈ શંકાસ્પદ ઘટના બને તો તેની જવાબદારી રાજ્ય સરકારની છે. સરકારે ઘટના અંગે પારદર્શક તપાસ કરાવવી જોઈએ. તપાસ જ્યારે, જે રીતે થવી જોઈએ તે રીતે થઈ નથી. તેથી આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આ અગાઉ નાફેડના ચેરમેન અને જાણીતા સહકારી આગેવાન વાઘજીભાઈ બોડાએ મગફળીના ગોડાઉનમાં લાગેલી આગ કૌભાંડ કરવા માટેની હોવાની દૃઢ શંકા વ્યક્ત કરી ઊંડી તપાસની માગ કરી છે. મગફળીમાં માટીની મિલાવટ અને ગોડાઉનમાં આગ લાગવા માટે જે-તે કેન્દ્ર સંચાલકો અને વેરહાઉસીંગને જવાબદાર ગણાવ્યા છે. કૃષિમંત્રી આર.સી. ફળદુએ મગફળીમાં ગોટાળો, ગોદામ સળગી જવાના બનાવો વગેરે બાબતે નાફેડની જવાબદારી હોવાની જે વાત કરી હતી તેનો જડબાતોડ જવાબ આપતા વાઘજીભાઈએ જણાવ્યું છે કે કૃષિમંત્રીએ આ પ્રકરણનો અભ્યાસ કર્યો નથી અથવા કોઈએ તેમને સાચું માર્ગદર્શન આપ્યું નથી. ગોડાઉન ભાડે આપવાની કામગીરીમાં રાજ્ય સરકારે ભૂલ કરી છે. હકીકતમાં કેન્દ્ર સરકાર રાજ્યોમાં ટેકાના ભાવે ખેત ઉત્પાદનની ખરીદી માટે નાફેડને એજન્સી તરીકે કામ આપે છે. જે ખરીદી અને વેચાણ માટે ભારત સરકારે એક કમિટી બનાવી છે જેનો નિર્ણય આખરી હોય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વેરહાઉસની જવાબદારી કેન્દ્ર સરકારે આપેલ ગાઈડલાઈન મુજબ કામ કરવાનું હોય છે. કૃષિમંત્રી નાફેડની જવાબદારીની વાતો કરે છે ત્યારે સરકારે તપાસ કરાવી જવાબદારોને સજા કરવી જોઈએ. ગોડાઉનો સળગે છે તેમાં કયા સેન્ટરો માલ છે ત્યાંથી તપાસ કરો તે ખરીદી સૈન્ટરથી કોથળાઓમાં ધૂલ ભરેલ છે. ખેડૂતો ક્યારેય ખોટું ન કરે. વેરહાઉસ ગોદામમાં આગ લાગી તે તમામ મગફળી લાલપર મંડળીની જ છે. ગોંડલ ગાંધીધામમાં કોનો માલ છે તેની સરકારે તપાસ કરી પગલાં લેવા જોઈએ. જેઓના નામ મારી પાસે છે. ગોડાઉનો ભાડે રાખવમાં ભયંકર ભૂલો કરી છે. શાપર-વેરાવળ, ગોંડલ, ગાંધીધામ બધા ગોડાઉન ગુજરાત વેરહાઉસ કોર્પો. અને ગુજકોટ એજન્સીના છે. અને તેમાં જ આગ લાગી છે. સેન્ટ્રલ વેરહાઉસમાં કોઈ ફરિયાદ નથી. ગોડાઉનમાં આગ અંગે કેન્દ્ર સુધી વાત પહોંચતા હવે સહકારી અને સરકારી તપાસ સમિતિ તપાસ કરશે.
મગફળીમાં કૌભાંડ છૂપાવવા ગોડાઉનોમાં આગ લગાડાઈ હોવાનો નાફેડના ચેરમેનનો આક્ષેપ

Recent Comments