અમદાવાદ,તા. ૩૦
ચકચારભર્યા નરોડા પાટિયા કેસમાં ભાજપના નેતા ડો.માયા કોડનાની સહિતના આરોપીઓને નીચલી કોર્ટે ફટકારેલી સજાના હુકમ સામે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જુદી જુદી અપીલોના કેસમાં તમામ પક્ષકારોની સુનાવણી પૂર્ણ થઇ ગઇ છે. પક્ષકારોની સુનાવણી પૂર્ણ થઇ જતાં હાઇકોર્ટે તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. હાઇકોર્ટ આગામી દિવસોમાં આ કેસમાં પોતાનો ચુકાદો જાહેર કરે તેવી શકયતા છે. ઉલ્લેખનીય છે કે, નરોડા પાટિયા કેસમાં અગાઉ નીચલી કોર્ટે માયા કોડનાનીને ૨૮ વર્ષની જેલ, બાબુ બજરંગીને જીવે ત્યાં સુધી કેદ અને અન્ય આરોપીઓને ૧૦ વર્ષથી લઇ જન્મટીપ સુધીની સજાઓ ફટકારતો સજાનો ચુકાદો જાહેર કર્યો હતો. આ હુકમથી નારાજ થઇ ડો.માયા કોડનાની, બાબુ બજરંગી સહિતના આરોપીઓએ ગુજરાત હાઇકોર્ટમાં ક્રિમીનલ અપીલો દાખલ કરી હતી. જેની સુનાવણી પૂર્ણ થઇ જતાં અને તમામ પક્ષકારોની દલીલો-રજૂઆત પૂર્ણ થઇ જતાં હાઇકોર્ટે આ મહત્વના કેસમાં તેનો ચુકાદો અનામત રાખ્યો હતો. હાઇકોર્ટ આગામી દિવસોમાં પોતાનો ચુકાદો જાહેર કરે તેવી શકયતા છે.