(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨૨
રાજકોટના વતની તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરને આઈ વે પ્રોજેક્ટની ભેટ ધરીને રાજકોટને સ્માર્ટ સિટી બનવાના માર્ગ પર અગ્રેસર બનાવી દીધું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ શહેરના મુખ્ય માર્ગોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરતાં રાજકોટ આઈ વે પ્રોજેક્ટનો આરંભ કરાવ્યો હતો અને ચકોર આંખ તરીકે ઓળખાનારો આ પ્રોજેક્ટ ગુનાખોરી ડામવાની દિશાનું નિર્ણાયક પગલું સાબિત થશે, એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પર્યાવરણ વાહન વ્યવહાર, ટીપરવાન નિયમભંગ વગેરે બાબતોની તાત્કાલિક જાણકારી આ આઈ વે પ્રોજેક્ટ થકી મળી શકશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી હતી કે, રાજકોટ સહિત રાજયના અન્ય પાંચ શહેરોને સ્માર્ટ સિટી બનાવવા માટે રાજ્યસરકારની નીતિ ગુણવત્તા આધારિત રહેશે, જેનાથી પક્ષપાતભર્યા વલણની ભીતિ દુર થશે અને આમજનતાનો સરકારમાં વિશ્વાસ વધશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વધુ ને વધુ શહેરોને ઓડીએફ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ રાજકોટ શહેરના આઈ વે પ્રોજેક્ટ માટે વધુ ૪૦ કરોડની ફાળવણીની પણ જાહેરાત કરી હતી, જેનાથી શહેરમાં થતા પૂર્વાયોજિત ગુનાઓના નિવારણ અને આંતરિક સલામતી માટે શહેરમાં હાઈ રીઝોલ્યુશનવાળા વધુ ૫૦૦ કેમેરા લગાવી શકાશે.