(એજન્સી) તા.રપ
વિશાખાપટ્ટનમના વાયજૈંગ એરપોર્ટ પર વાયએસઆર કોંગ્રેસના અધ્યક્ષ જગનમોહન રેડ્ડી પર હુમલો થયો છે. એક અજાણ્યા શખ્સે તેમના પર ચાકુથી હુમલો કરતા તેમના હાથ પર ઈજા પહોંચી હતી. તેમને મેડિકલ ટેસ્ટ માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના એરપોર્ટની કેન્ટીનમાં ઘટી હતી જ્યાં એક અજાણ્યા શખ્સ સાથે સેલ્ફી મુદ્દે તેમનો વિવાદ થયો હતો. આ દરમિયાન બોલાચાલી વધતા તે શખ્સે તેમના હાથ પર ચાકુથી હુમલો કર્યો હતો. આ હુમલાને કારણે ઘટનાસ્થળે અંધાધૂંધી સર્જાઈ હતી. નોંધનીય છે કે વાયએસઆર કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા માટે જાણીતા છે. નાંદયાલ વિધાનસભા મતવિસ્તારમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ વિરૂદ્ધ વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ પોલીસે તેમના વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો છે. જગનમોહન રેડ્ડીએ કહ્યું હતું કે, જો મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુની ગોળી મારી હત્યા કરી દેવામાં આવે તો તેમાં કશું ખોટું નથી.