માંગરોળ, તા.૮
માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં પ્લાઈવુડ ભરેલ છકડો રીક્ષા ઉલળી જતા રીક્ષા ચાલકના એકના એક માસુમ દીકરાનું દબાઈ જવાથી મોત નિપજતા અરેરાટી મચી જવા પામી છે.
આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ માંગરોળ ના ઈન્દીરાનગર વિસ્તારમાં રહેતા ઈસ્માઈલ હુસેન અલાદ (ઉ. વ. ૩૦) છકડો રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા હોય, તેમને સંતાનો મા બે દીકરીઓ પછી એક દીકરો હોય. આજ રોજ સાંજના સુમારે માંગરોળના માર્કેટિંગ યાર્ડ ખાતે આવેલા એક ગોડાઉનમાં પ્લાઈવુડની સીટો ભરવાનો ફેરો કરવા માટે તેઓ છકડો રીક્ષા લઇને ચાલતા થયેલ ત્યારે તેમના પુત્ર મો.હુસેન (ઉ. વ. ૫) એ સાથે આવવાની જીદ પકડેલ. બે બહેનો વચ્ચે ના એકના એક લાડકવાયા દીકરાની જીદને સરણે થઈ પિતાએ તેમના માસુમ દીકરાને સાથે લઈ રવાના થયેલ. માર્કેટીંગ યાર્ડમાં ગોડાઉનમાંથી સીટો ભરી રીક્ષા ચાલું કરતા સહજ ઉચાણના કારણે રીક્ષા આગળથી ઉલળી ગયેલ પરીણામે રીક્ષાના ડાલામાં ભરેલી પ્લાઈવુડની સીટો અને તેમના પર બેસેલો તેમનો માસુમ દીકરો પણ નીચે ખાબકી ગયેલ. અકસ્માતે પ્લાઈવુડની સીટો માસુમ બાળક પર પડતાં તે દટાઈ ગયેલ. તાત્કાલિક લોકો દોડી આવી બાળકને બહાર કાઢી સરકારી હોસ્પિટલમાં પહાેંચાડવામા આવેલ પરંતુ બાળકને માથા અને શરીરમાં ગંભીર ઈજાઓ થઈ જવાથી મોત નિપજ્યું હતું. તબીબે બાળકને મૃત જાહેર કરતાં પિતાના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હતી. આ ઘટનામાં રીક્ષા ચાલક પિતાને પણ પગમાં ફેકચર થયું હતું. આ ઘટનાના પગલે મુસ્લિમ સમાજના આગેવાન મો. હુસેન ઝાલા, યુસુફ ચાંદ સહીતના લોકો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. બે બહેનો વચ્ચેના એકના એક લાડલા ભાઈનું મોત નિપજતા સમગ્ર પરીવારમાં હૃદયફાટ દૃષ્યો સર્જાયા હતા.